
ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). આસામના ડિબ્રુગઢ જિલ્લાના ટેંગાખાત સ્થિત ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (ઓઆઇએલ)ના પરિસરમાં શુક્રવારે સવારે ભયાનક અકસ્માત થયો. અહીં ઓઇલ કલેક્ટિંગ સ્ટેશન (ઓસીએસ)ના ઇન્ટરમીડિયેટ ટેન્ક ફાર્મ (આઇટીએફ)માં વિસ્ફોટ બાદ આગ લાગી. આ અકસ્માતમાં એક કર્મચારીનું મૃત્યુ થયું, જ્યારે અન્ય છ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. મૃતકની ઓળખ રાજુ દત્તા તરીકે થઈ છે.
પ્રારંભિક માહિતી અનુસાર, વિસ્ફોટ ઓઇલ ઇન્ડિયાના ક્રૂડ ઓઇલના સંગ્રહ વિસ્તારમાં થયો. વિસ્ફોટ બાદ ટેન્ક ફાર્મમાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી, જેના કારણે પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘટના સમયે ત્યાં ઘણા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.
અકસ્માતમાં ઘાયલ કર્મચારીઓની ઓળખ ટેંગાખાતના રહેવાસી સૈલેન ગોગોઈ (45), મિલન નગર, ડિબ્રુગઢના રહેવાસી તાપસ ગોગોઈ (40), કુમુદ ગોગોઈ (38), ગોલાપ દત્તા (58) અને ઇન્દ્ર ગોગોઈ (40) તરીકે થઈ છે. અન્ય ઘાયલોની ઓળખ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.
તમામ ઘાયલોને સારવાર માટે ડિબ્રુગઢ સ્થિત આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (એએમસીએચ)માં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ કર્મચારીઓ મુંબઈની કંપની સ્પેક્ટ્રોન એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કામ કરી રહ્યા હતા. આ કંપનીને ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કાર્ય સોંપ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને કટોકટી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ બુઝાવવાનું અભિયાન શરૂ કર્યું. શરૂઆતી અહેવાલોમાં રાજુ દત્તા વિસ્ફોટ બાદ ગુમ થયા હોવાનું જણાવાયું હતું. જોકે, બાદમાં તેમના મૃત્યુની માહિતી સામે આવી.
હાલમાં, વિસ્ફોટ અને આગ લાગવાના વાસ્તવિક કારણો જાણી શકાયા નથી. અકસ્માતમાં થયેલા નુકસાન અને ઘાયલોની સ્થિતિ અંગે વિગતવાર સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ