
દેહરાદૂન, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા પંચકેદારોમાં તૃતીય કેદાર ભગવાન તુંગનાથ મંદિરના કપાટ, શુક્રવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા. આ સાથે જ વર્ષ 2026ની તુંગનાથ ધામની ગ્રીષ્મકાલીન યાત્રાનું સમાપન થયું.
સમુદ્ર સપાટીથી આશરે 3,680 મીટરની ઊંચાઈ પર આવેલા મંદિર પરિસરને કપાટ બંધ થવાના અવસરે, ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી વેદપાઠી અભિષેક મૈઠાણીએ ધાર્મિક પરંપરાઓ અનુસાર, પૂજા-અર્ચના અને અનુષ્ઠાન સંપન્ન કરાવ્યા. આ દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની હાજરીથી ભક્તિમય માહોલ રહ્યો.
કપાટ બંધ થયા પછી ભગવાન તુંગનાથની ચલ વિગ્રહ ઉત્સવ ડોલી શિયાળુ ગાદીસ્થળ મક્કુમઠ માટે રવાના થઈ. ડોલી શુક્રવારે ચોપતામાં રાત્રિ વિશ્રામ કરશે. 07 નવેમ્બરના રોજ ભનકુંડ પહોંચશે અને 08 નવેમ્બરના રોજ મક્કુમઠ સ્થિત શ્રી મર્કટેશ્વર મંદિરમાં બિરાજમાન થશે. આ પછી શિયાળામાં ભગવાન તુંગનાથની પૂજા-અર્ચના મક્કુમઠમાં થશે.
પંચકેદારોમાં તૃતીય કેદાર તરીકે પૂજનીય તુંગનાથ ધામમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવની ભુજાઓની પૂજા કરવામાં આવે છે. તેને વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા શિવ મંદિરોમાંનું એક માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ