
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી.
અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : આજથી દિવાનીના તહેવારોની શરૂઆત થાય છે. આજે ધનતેરસના દિવસે ફરી ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો ઇમેઈલ મળ્યો છે. બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. 6 નવેમ્બર 2026ના રોજ સવારે 8:43 વાગ્યે મોકલાયેલા આ ઈ-મેઈલમાં ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઈ-મેઈલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે અને ધમકીની ખરાઈ કરવામાં આવી રહી છે.
ગુજરાત હાઇકોર્ટને બપોરે 1.11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. જેના પગલે બોમ્બ-ડોગ સ્કવોડ તેમજ સોલા પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ હાઇકોર્ટની તમામ કોર્ટ રાબેતા મુજબ ચાલુ છે.
બપોરે 3.11 વાગ્યે સીએમ ઓફિસમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. ખાલીસ્તાન નેશનલ આર્મીના નામનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા હાલ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના શો દરમિયાન IED બ્લાસ્ટ કરીને જાનહાનિ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ઈ-મેઈલમાં 'દિલજીત શો'ને નિશાન બનાવવાની વાતને કારણે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે. આ ઉપરાંત ઈ-મેઈલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી (KNA) અને બબ્બર ખાલસા (પરમાર-કેનેડા)ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ'નો ધમકીભર્યો ઈમેઈલ 3 નવેમ્બરે ગુજરાતની ડીજીપી ઓફિસને મળ્યો હતા. જે ધમકીભર્યાં મેઈલમાં ડીજીપી ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.
ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેઈલ મોકલ્યો હતો. પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ