
- પોલીસને જોઈ ટ્રક ચાલક અને ક્લીનર વાહન મૂકી નાસી છૂટ્યા: પશુ ક્રૂરતા અટકાયત ધારા હેઠળ ગુનો દાખલ
જામનગર, 06 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ કેશિયા ગામના પાટિયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પોલીસે પશુઓની ગેરકાયદે અને ઘાતકી હેરફેરનો પર્દાફાશ કર્યો છે. વહેલી સવારે દરોડો પાડીને ટ્રકમાં અતિ કષ્ટદાયક સ્થિતિમાં બાંધેલા 45 પાડાને સલામત રીતે મુક્ત કરાવવામાં આવ્યા છે. પોલીસ કાફલાને દુરથી જોઈ જતાં જ વાહનનો ચાલક અને ક્લીનર ટ્રકને માર્ગ પર જ છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત મુજબ, જોડિયા પંથકના કેશિયા પાટિયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 5 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે એક શંકાસ્પદ ટાટા ટ્રક ઊભેલો મળી આવ્યો હતો. પોલીસે નજીક જઈ તપાસ કરતા ટ્રકના ડાલામાંથી 45 પાડા અત્યંત દયનીય અને કષ્ટદાયક હાલતમાં બાંધેલા મળી આવ્યા હતા. પશુઓની ગેરકાયદેસર અને અમાનવીય હેરાફેરી થતી હોવાનું સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ પશુઓને ક્રૂરતામુક્ત કરાવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં પશુઓની હેરાફેરી માટે કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી લેવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. ટ્રકના ડાલામાં ક્ષમતા કરતાં વધુ પશુઓને હલનચલન પણ ન કરી શકે તે રીતે ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યા હતા. પશુઓ માટે યાતનામુક્ત મુસાફરીની કોઈ સુવિધા ન હતી. આ ઉપરાંત લાંબા અંતરની સફર હોવા છતાં તેમના માટે પૂરતા ઘાસચારા, નીરણ કે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે પશુઓ ભારે પીડા સહન કરી રહ્યા હતા.
બનાવ અંગે પોલીસે ટાટા ટ્રકના ફરાર ચાલક અને ક્લીનર તેમજ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા અન્ય તમામ શંકાસ્પદ વ્યક્તિઓ સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના અધિનિયમ (એનિમલ ક્રુઅલ્ટી એકટ) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગુનામાં વપરાયેલ ટ્રક જપ્ત કરી લેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt