ડિજિટલાઇઝેશન છતાં વેપારીઓમાં અકબંધ ચોપડા પૂજનની પરંપરા: રાજકોટમાં ચોપડાની ખરીદીનો ભારે ઉત્સાહ
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) દિવાળી પર્વ પર લક્ષ્મીપૂજન સાથે ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આધુનિક યુગમાં કોમ્પ્યુટર અને સોફ્ટવેર દ્વારા હિસાબ રાખવાનું ચલણ વધ્યું હોવા છતાં, વેપારીઓમાં પરંપરાગત ચોપડાઓની ખરીદીનો ઉત્સાહ અને આસ્થા આજે પણ યથાવત જોવા મળ
વેપારીઓમાં પરંપરાગત ચોપડાઓની ખરીદીનો ઉત્સાહ


રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) દિવાળી પર્વ પર લક્ષ્મીપૂજન સાથે ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આધુનિક યુગમાં કોમ્પ્યુટર અને સોફ્ટવેર દ્વારા હિસાબ રાખવાનું ચલણ વધ્યું હોવા છતાં, વેપારીઓમાં પરંપરાગત ચોપડાઓની ખરીદીનો ઉત્સાહ અને આસ્થા આજે પણ યથાવત જોવા મળી રહી છે.

દિવાળીના આગમન સાથે જ વેપારી આલમમાં નવા નાણાકીય વર્ષની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના શુભ મુહૂર્તમાં વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાઓની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી પડે છે. વિશેષ કાગળ અને ગાદી પૂંઠામાંથી તૈયાર થતા રૂ. 200 થી 350 સુધીના ચોપડાઓનું બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

બજારમાં ખાતાવહી, રોકડમેળ, ઉઘરાણી ચોપડા, જાવક-આવક ચોપડો, સ્ટોક રજિસ્ટર અને ઓર્ડર બુકની માંગમાં મોટો વધારો નોંધાયો છે. નાના અને મધ્યમ કક્ષાના વ્યાપારીઓ આજના ડિજિટલ યુગમાં પણ રોજબરોજના વ્યવહારો માટે આ પરંપરાગત ચોપડાઓનો ઉપયોગ સક્રિયપણે કરી રહ્યા છે.

હિસાબ રાખવાની પદ્ધતિ ભલે ડિજિટલ અને આધુનિક બની ગઈ હોય, પરંતુ વેપારીઓની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી ચોપડા પૂજનની પરંપરા અકબંધ છે. નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે ચોપડા પૂજનની આ સદીઓ જૂની ધાર્મિક વિધિ વેપારી વર્ગમાં અનોખો ઉત્સાહ ભરે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande