
- સાંતલપુર તરફથી આવતા પીકઅપ વાહનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 27 વર્ષીય મુબારકખાન બલોચ પોલીસની પકડમાં.
કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : આડેસર ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી કરીને બોલેરો પીકઅપમાંથી રૂ.2.56 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા આડેસર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સાંતલપુર તરફથી આવી રહેલી બોલેરો પીકઅપ જીપ નંબર GJ-36-T-5134ને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. વાહનની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 મિલી ક્ષમતાની સીલબંધ દારૂની ક્વાર્ટર બોટલો તેમજ કિંગફિશર બ્રાન્ડની 500 મિલીની બિયરની 216 ટીન મળી આવી હતી. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો કબજે કરી વાહનચાલકની અટકાયત કરી હતી.
પોલીસે ઝડપાયેલા શખ્સની ઓળખ મુબારકખાન લતીફખાન બલોચ (27), રહે. પીપરાળા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ તરીકે કરી છે. પોલીસે તેની પાસેથી 180 મિલીની દારૂની બોટલોનો રૂ.74,375નો જથ્થો, રૂ.27,000ની કિંમતના બિયરના 216 ટીન, રૂ.4,000નો મોબાઇલ ફોન અને રૂ.1.50 લાખની બોલેરો પીકઅપ જીપ મળી કુલ રૂ.2,56,375નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સરહદી વિસ્તારમાં ચેકપોસ્ટ પર કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતાં દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar