
RTO ચેકપોસ્ટ નજીક પંચરની દુકાન પાસે આવેલી કેબિનમાં ચાલતું હતું ગાંજાનું વેચાણ : ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ’ અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, રૂ.17,400નો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ભચાઉ પોલીસે વધુ એક કાર્યવાહી કરી ગાંજાના જથ્થા સાથે 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. ભચાઉ-સામખિયાળી હાઈવે પર RTO ચેકપોસ્ટ નજીક આવેલી એક હોટલ કેબિનમાંથી પોલીસે 248 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. આ કાર્યવાહીથી હાઈવે આસપાસના વિસ્તારોમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.
પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોના સેવન, વેચાણ અને હેરાફેરીને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી ‘NO DRUGS IN EAST KUTCH’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આ દિશામાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા પણ NDPS સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ આશિષકુમાર સોંદરવાને ચોક્કસ બાતમી મળી હતી કે ભચાઉ-સામખિયાળી હાઈવે પર RTO ચેકપોસ્ટ નજીક પંચરની દુકાન પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલી હોટલની કેબિનમાં એક વ્યક્તિ ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન હિમતપુરા વિસ્તાર, ભચાઉનો રહેવાસી ઉર્વેશ હાજીભાઈ ખલીફા (ઉંમર 20 વર્ષ) પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી નેટ 248 ગ્રામ ગાંજો, પ્લાસ્ટિકની પારદર્શક થેલીઓ, આધારકાર્ડ અને સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂ.12,400 અને મોબાઈલની કિંમત રૂ.5,000 સહિત કુલ રૂ.17,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં નશાના કારોબાર સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે હાઈવેની કેબિનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar