


- નવ વર્ષથી અવિરત ગૌસેવા કરતા સેવાભાવી કાર્યકરોની અનોખી પહેલ, ગાયોના મુખ પર છલક્યો દિવાળીનો આનંદ; તહેવારમાં મૂક જીવોને પણ પ્રેમ આપવાનો પ્રેરણાદાયી સંદેશ.
કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વે ઘેરઘેર મીઠાઈઓની આપ-લે અને પરિવાર સાથે ઉજવણીનો માહોલ જોવા મળે છે, ત્યારે મુન્દ્રામાં જીવદયાની ભાવનાને ઉજાગર કરતી એક અનોખી પહેલ સામે આવી છે. મુન્દ્રાની 161 વર્ષ જૂની પાંજરાપોળમાં ગૌમાતાઓની દિવાળી પણ મીઠી બને તેવા હેતુથી ગાયોને લીલા ઘાસચારા સાથે ગોળ ખવડાવી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. માનવીની ખુશીમાં મૂક જીવોને પણ સહભાગી બનાવવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે.
મુન્દ્રાના આઠથી દસ ગૌપ્રેમીઓ છેલ્લા નવ વર્ષથી કોઈપણ ઋતુ, તહેવાર કે રજાની પરવા કર્યા વિના નિયમિત ગૌસેવામાં જોડાયેલા છે. દરરોજ સવારે આ સેવાભાવી કાર્યકરો પાંજરાપોળની ગાયો માટે અંદાજે 20 મણ લીલો ઘાસચારો એકત્ર કરી તેમના સુધી પહોંચાડે છે. વર્ષોથી ચાલી આવતી આ સેવા કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા વિના જીવદયાના ભાવ સાથે કરવામાં આવી રહી છે.
દિવાળીના દિવસે આ સેવાકાર્યમાં વિશેષ મીઠાશ ઉમેરાઈ હતી. મુન્દ્રાના મગનકાકા છેડાના પૌત્ર રાજુભાઈ તરફથી ગાયોને લીલા ઘાસચારા ઉપરાંત ગોળ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ગોળની સુગંધ અને સ્વાદ મળતાં ગાયોનો ઉત્સાહ જોવા જેવો હતો. ગાયો પ્રેમથી ગોળ આરોગતી હોય તેવા દૃશ્યોએ ગૌસેવકોને પણ ભાવવિભોર કરી દીધા હતા. આ જ સેવા અંતર્ગત બીજા દિવસે પણ ગોળ પીરસવાનું આયોજન છે.
શિક્ષણક્ષેત્રે લાંબો અનુભવ ધરાવતા ગૌસેવક ડૉ. કેશુભાઈ મોરસાણિયાએ ગાયોના નિર્દોષ ચહેરા પર દેખાતો આનંદ આ પ્રસંગની સૌથી મોટી ભેટ ગણાવ્યો હતો. તેમના મતે, મૂક જીવોની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત થતી નથી, પરંતુ તેમની આંખો અને હાવભાવમાં પ્રેમનો અનુભવ ચોક્કસ થાય છે.
ગૌસેવા પરિવાર દ્વારા નાગરિકોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. સોમવારે મુન્દ્રા પાંજરાપોળની મુલાકાત લઈ ગૌમાતાને ગોળ ખવડાવી શકાય છે. તહેવારોની ઉજવણીમાં મૂક જીવો પ્રત્યે કરુણા અને સંવેદના જાળવવાનો આ પ્રયાસ દિવાળીની સાચી મીઠાશનો સંદેશ આપી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar