
વોશિંગ્ટન, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટરોને, વર્ષ 2026ના અમેરિકન અફોર્ડેબિલિટી એન્ડ જોબ્સ એક્ટ ઓફ 2026 -એસ. 5653 (અમેરિકી વહનક્ષમતા અને રોજગાર વિધેયક એસ. 5653) ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી છે. તેમણે આ પ્રસ્તાવિત કાયદાને અમેરિકાની ઊર્જા આત્મનિર્ભરતા અને વૈશ્વિક સ્પર્ધામાં તેની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
તેમણે બંને રાજકીય પક્ષોના સમર્થનથી તૈયાર કરાયેલા આ વિધેયકને પસાર કરવા વિનંતી કરી. પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય ઊર્જા અને માળખાકીય સુવિધાઓ સંબંધિત પરિયોજનાઓને સરકારી મંજૂરી આપવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું, ''હું તમામ સેનેટરોને અમેરિકી વહનક્ષમતા અને રોજગાર અધિનિયમ (એસ. 5653) ના પક્ષમાં મતદાન કરવા અપીલ કરું છું. આ વિધેયક અમેરિકાની ઊર્જા આત્મનિર્ભરતા અને વૈશ્વિક વર્ચસ્વની દિશામાં એક મોટી સિદ્ધિ છે.''
તેમણે કહ્યું, ''આ ઐતિહાસિક કાયદાકીય સુધારા આપણી 'અમેરિકા પ્રથમ' ઊર્જા નીતિને કાનૂની સ્વરૂપ આપશે. આનાથી આપણે પહેલા કરતા પણ વધુ ઝડપથી તેલ અને ગેસ પાઇપલાઇન, ખાણો અને વીજળી પ્લાન્ટનું નિર્માણ કરી શકીશું. આનાથી અમેરિકી પરિવારો માટે ઊર્જાનો ખર્ચ ઘટશે અને દેશમાં વધુ વેતનવાળી રોજગારીની તકો ઊભી થશે.'' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ''આ કાયદો વીજળી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા સંબંધિત મારી પ્રતિબદ્ધતાને પણ કાનૂની સ્વરૂપ આપશે. આ અંતર્ગત ડેટા સેન્ટરોને (આંકડા કેન્દ્રોને) પોતાની વીજળીની વ્યવસ્થા જાતે કરવી પડશે અને તેનો ખર્ચ પણ પોતે જ ઉઠાવવો પડશે. સાથે જ, તેમને પોતાના સ્થાનિક સમુદાયોના વિકાસમાં રોકાણ કરવામાં પણ યોગદાન આપવું પડશે.''
રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું, ''યાદ રાખો, ચીન તે તમામ ડેટા સેન્ટરોને પોતાના દેશમાં લઈ જવા માટે તૈયાર છે, જેમને આપણે નથી ઈચ્છતા. આ માટે તે મોટી રકમ પણ ખર્ચ કરશે. આપણે પ્રથમ સ્થાને છીએ અને આપણે આ સ્થિતિ જાળવી રાખવી પડશે. આજે જ તમારા સેનેટરને ફોન કરો અને તેમને આ વિધેયકના પક્ષમાં મતદાન કરવા કહો.'' ટ્રમ્પ અનુસાર, આ વિધેયક લાગુ થવાથી તેલ અને ગેસ પાઇપલાઇન, ખનન પરિયોજનાઓ અને વીજળી પ્લાન્ટના નિર્માણમાં લાગતો સમય ઓછો થઈ શકશે. આનાથી ઊર્જાનો ખર્ચ ઘટાડવામાં અને અમેરિકી નાગરિકો માટે વધુ સારા વેતનવાળી રોજગારીની તકો ઊભી કરવામાં મદદ મળશે.
તેમણે અમેરિકી નાગરિકોને પોતાના-પોતાના સેનેટરોનો સંપર્ક કરીને વિધેયકના પક્ષમાં મતદાન કરવા વિનંતી પણ કરી. અમેરિકી કોંગ્રેસ અનુસાર, વર્ષ 2026નું દ્વિપક્ષીય અમેરિકી વહનક્ષમતા અને રોજગાર વિધેયક 30 સપ્ટેમ્બરના રોજ સેનેટમાં એસ. 5653 તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેને શેલી મૂર કેપિટો, શેલ્ડન વ્હાઇટહાઉસ, માઇક લી અને માર્ટિન હેનરિક સહિત વિવિધ રાજકીય પક્ષોના સેનેટરોએ રજૂ કર્યું.
417 પૃષ્ઠોના આ વિધેયકમાં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ કાયદા હેઠળ થતી પર્યાવરણીય સમીક્ષા સહિત સંઘીય સ્તરે પરિયોજનાઓને મંજૂરી આપવાની હાલની પ્રક્રિયામાં ફેરફારનો પ્રસ્તાવ છે. તેનો ઉદ્દેશ્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત પરિયોજનાઓને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો માર્ગ સરળ બનાવવાનો છે.
વિધેયકમાં સ્વચ્છ જળ કાયદા હેઠળ મળતી મંજૂરી, લુપ્તપ્રાય જીવ-જંતુઓ સંબંધિત પરામર્શ અને ઐતિહાસિક ધરોહરોના સંરક્ષણ સાથે સંકળાયેલી સમીક્ષા પ્રક્રિયાઓમાં પણ ફેરફારો પ્રસ્તાવિત છે. આ ઉપરાંત, કેટલીક આંતરરાજ્ય વીજળી પ્રસારણ પરિયોજનાઓ પર સંઘીય ઊર્જા નિયામક આયોગના અધિકારક્ષેત્રનો વિસ્તાર કરવાની વાત કહેવામાં આવી છે. સાથે જ, નવીનીકરણીય ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા, જળવિદ્યુત અને સમુદ્રમાં સ્થાપિત થનારી ઊર્જા પરિયોજનાઓને મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રસ્તાવ છે.
આ વિધેયકને સેનેટની ઊર્જા અને પ્રાકૃતિક સંસાધન સમિતિ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યું છે. તેનો વહીવટી સુધારો 7 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો. સેનેટમાં વિધેયકને આગળ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા સમાપ્ત કરવા સંબંધિત મતદાનની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ