
સોમનાથ,11 ફેબ્રુઆરી (હિ.સ.) હાલમાં પ્રભાસ પાટણ સંગ્રહાલય ખાતે સંગ્રહિત પ્રાચીન ધરોહરની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી, ક્ષય પામતી કલાકૃતિઓના પુનઃસ્થાપન અને ભવિષ્યની પેઢી માટે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંરક્ષણ તથા રિસ્ટોરેશન સબંધિત કામગીરી વ્યાપક ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પ્રાચીન અવશેષોને નુકસાન ન થાય, કામગીરીમાં કોઈ અવરોધ ના થાય તેમજ કે મુલાકાતીઓની સલામતી જળવાઈ રહે તે હેતુથી સંગ્રહાલયને અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
પ્રભાસ પાટણ સંગ્રહાલય ૧૨ ફેબ્રુઆરી થી 30 ઓકટોબર,2026 દરમિયાન મુલાકાતીઓ માટે અસ્થાયી રીતે બંધ રહેશે. રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સંગ્રહાલય ફરીથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે અંગેની જાણ કરવામાં આવશે. તમામ મુલાકાતીઓએ આ બાબતની નોંધ લેવા તેમજ સહકાર આપવા ક્યુરેટરની કચેરી, પ્રભાસ પાટણ સંગ્રહાલયની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રભાસ પાટણ સંગ્રહાલય, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ સંગ્રહાલય ખાતાનું એક મહત્વપૂર્ણ સંગ્રહાલય છે.
આ સંગ્રહાલય સોમનાથ મંદિર તથા પ્રભાસ ક્ષેત્રના વૈભવી ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને પ્રદર્શિત કરે છે. પ્રભાસ પાટણ ખાતે આવેલ સૂર્યમંદિરના પટાંગણમાં સ્થિત આ સંગ્રહાલયમાં પ્રાચીન ભારતની શિલ્પકલા, સ્થાપત્યના સમૃદ્ધ વારસોનો સંગ્રહ કરવામાં આવેલો છે.
પ્રભાસ પાટણ ખાતે આવેલ સૂર્યમંદિરના પટાંગણમાં સ્થિત આ સંગ્રહાલયમાં પ્રાચીન ભારતની શિલ્પકલા અને સ્થાપત્ય પરંપરાના ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. સંગ્રહાલયમાં મુખ્યત્વે ૧૧મી અને ૧૨મી સદીના દેવાલય સ્થાપત્યના અવશેષો, કોતરાયેલા પથ્થરો, સ્તંભખંડો, શિલ્પાવશેષો તથા અન્ય પુરાતત્વીય સામગ્રીનો સંગ્રહ કરવામાં આવેલ છે. આ તમામ સ્થપત્યો સોમનાથ મંદિર તેમજ પ્રભાસ ક્ષેત્રના ધાર્મિક કેન્દ્ર તરીકેના ઐતિહાસિક વિકાસને પ્રદર્શિત કરે છે.
સંગ્રહાલયમાં રાખવામાં આવેલ શિલાલેખો પ્રાચીન શાસનવ્યવસ્થા, દાનપરંપરા, સામાજિક રચના તથા ધાર્મિક માન્યતાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપે છે. શિલ્પ અને સ્થાપત્ય અવશેષો તે સમયની કારીગરી, કલાત્મક અભિવ્યક્તિ અને નિર્માણ પદ્ધતિઓ પર પ્રકાશ પાડે છે.
ભારતની સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃઉદ્ધાર કાર્ય દરમિયાન પ્રભાસ ક્ષેત્રમાંથી મળેલા અસંખ્ય પ્રાચીન અવશેષોને નષ્ટ થવાથી બચાવીને સંરક્ષિત રાખવાના હેતુથી સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી. ભારતની એકતાના શિલ્પીસરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર,1947 ના રોજ પ્રભાસ પાટણની મુલાકાત દરમિયાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેના પરિણામે આ ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે સંગ્રહાલયની વિચારધારા વિકસિત થઈ. ત્યારબાદ 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં લિંગપ્રતિષ્ઠા કરવામાં આવી હતી
મંદિરના પુનઃઉદ્ધાર દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોને સુવ્યવસ્થિત રીતે સંગ્રહ કરવા માટે સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ કાર્યમાં સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ ખાતાના અધ્યક્ષ શ્રી હરિલાલ માંકડના માર્ગદર્શન હેઠળ આ સંગ્રહાલયને સંસ્થાગત સ્વરૂપ મળ્યું છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાત સરકાર દ્વારા આ સંગ્રહાલયને પોતાના નેજા હેઠળ લેવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ