

- આદિવાસી સમાજ જળ, જમીન અને જંગલોનો સાચો પહેરેદાર અને પ્રકૃતિનો ચોકીદાર છે:જગદીશ વિશ્વકર્મા
- દેશમાં વોટબેંક,જાતિવાદ,પ્રાંતવાદની રાજનીતીને દુર કરી વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે :જગદીશ વિશ્વકર્મા
દાહોદ,20 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદ વિધાનસભાનું બૂથ કાર્યકર્તા સંમેલન શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયુ હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા પરંપરાગત કોટી અને પાઘડીથી જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાયું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, દાહોદ એટલે ઉગતા સુરજની ધરતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડને અડીને આવેલો આ જિલ્લો છેવાડાનો નહી પણ અન્ય રાજ્યોમાંથી આવે એમના માટે માટે ગુજરાતનો પહેલો જિલ્લો છે. જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હોય તે સતત ચિંતા કરે છે.
જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ભાજપાનો કાર્યકર્તા સતત માત્ર સત્તા માટે નહી પરંતુ સેવા માટે દોડતો કાર્યકર્તા છે. જળ, જમીન અને જંગલોનો સાચો પહેરેદાર જો કોઇ હોય તો તે આદિવાસી સમાજ છે. પ્રકૃતિનો ચોકીદાર કોઇ હોય તો તે આદિવાસી સમુદાય છે જેમણે આ ધરતીની રક્ષા કરી છે.
સોમનાથી રક્ષા માટે વેગડાભીલનું બલિદાન હોય કે 1857નુ જે વિપ્લવ હોય માતૃભૂમિની રક્ષા માટે આદિવાસી રાજાઓને,એ વીરોને ઇતિહાસ ક્યારેય ભૂલવાનો નથી. દેશની આઝાદીમાં આદિવાસી સમુદાયનો ખૂબ મોટો ફાળો છે.
તેમણે કહ્યું કે, ભગવાન બિરસામુંડાજીનું સાચુ સન્માન કોઇએ કર્યુ હોય તો તે ભાજપની સરકારે કર્યુ છે. દેશના વડાપ્રધાન મોદીએ કર્યુ છે, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં 1500 કરતા વધુ ભીલોની શહાદત આ માટીમાં આજે પણ શૌર્યની મહેક ફેલાવે છે.
એક સમય હતો કે દાહોદથી લોકો મજૂરી કામ માટે બહાર જતા હતા આજે દાહોદના લોકોને સ્થાનિક રોજગારી મળી રહે તેની ચિંતા ભાજપની સરકાર કરી રહી છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતતપણે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજની ચિતા કરતા હોય છે. પહેલાનો એક સમય હતો કે જ્યારે આદિવાસી વિસ્તારમાં ધોરણ 12ની શાળા કે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ હતી નહી આજે ગર્વ સાથે કહી શકુ છું કે દાહોદ સહિત ગુજરાતમાં મેડિકલ કોલેજ, એકલવ્ય મોડેલ સ્કુલનું નેટવર્ક,
આદિવાસી યુનિવર્સિટી સ્થાપવાનું કામ ભાજપની સરકારે કર્યુ છે. છેલ્લા 25 વર્ષની અંદર જે રીતે ગુજરાતનો સંર્વાગી વિકાસ થયો છે તેનો શ્રેય ભાજપને જાય છે. આદિવાસીનો દિકરો ડોકટર, એન્જિનયર બને તે દિશામાં ભાજપની સરકાર કામ કરી રહી છે.
તેઓએ વધુમાં કહ્યું કે, 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દાહોદની નગરપાલિકા સ્માર્ટ સીટી બને તે દિશામાં ભાજપ કામ કરી રહ્યુ છે. 9 હજાર મેટ્રિક ટન એચપીની રેલવેનું એન્જિન કારખાનું આજુબાજુના જિલ્લા અને દાહોદને રોજગારી આપશે. દાહોદમા બનતું એન્જિન દેશભરની અંદર ફરે છે એટલે સ્થાનિક કારિગરોના પરસેવાની સુંગધ દેશભરમાં ફેલાઇ રહી છે.
ગુજરાત દેશનું પહેલુ રાજય છે જેણે અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વાલીની આવક મર્યાદા 2.50 લાખ હતી તે 6 લાખ કરી છે. ઘર વિહોણા લોકોને ઘર આપવાનું કામ ભાજપ સરકારે કર્યુ. કોંગ્રેસના વડાપ્રધાન કહેતા હતા કે 1 રૂપિયા મોકલુ છું તો 15 પૈસા મળે છે 85 પૈસા ખવાય જાય છે પરંતુ મોદી સરકારમાં 1 રૂપિયો મોકલે તો સીધો તેમના ખાતામા જમા થાય છે આ છે ભાજપાની પારદર્શક સરકારની અનેક યોજનાઓ છે જે આદિવાસીઓ માટે મદદગારરૂપ છે. લોકોનું જીવનધોરણ વધુ સારું થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
વિશ્વકર્માએ કહ્યું કે, કોંગ્રેસ માટે માત્ર ભય,ભુખ અને ભ્રષ્ટાચાર આ ત્રણ શબ્દો મહત્વના હતા તેઓ ક્યારેય નહોતા ઇચ્છતા કે ગામડાનો અને આદિવાસી સમાજનો વ્યક્તિ ભણી ગણીને આગળ વધે. આવનાર અનેક વર્ષ સુધી કોંગ્રેસ ભારત કે ગુજરાતમાં આવ તેમ નથી. ભાજપાનો કાર્યકર્તા રાત દિવસ તડકો છાયો જોયા વગર સતત કામ કરી રહ્યો છે. ભાજપનો કાર્યકર્તા સેવા માટે કામ કરે છે, લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો કે કેમ તેની ચિંતા ભાજપનો કાર્યકર્તા કરે છે.
કોંગ્રેસ ચૂંટણી સમયે દેખાય છે વરસાદ પડે ત્યારે દેડકા આવે તેમ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આદિવાસી ભોળી પ્રજાને છેતરવા આવી જાય છે. કોંગ્રેસ એટેલે વિકાસના નામે મીન્ડુ આદિવાસીઓને આપવાના નામે મીન્ડુ, શિક્ષણના નામે મીન્ડુ. કોગ્રેસ એટલે માત્ર ભ્રષ્ટાચાર. કોંગ્રેસને આખા દેશમાંથી 140 કરોડ જનતાએ સતત 3 વખત જાકારો આપ્યો છે અને 30 વર્ષથી ગુજરાતમાં જનતા જાકારો આપી રહી છે
તેઓએ જણાવ્યું કે, વોટબેંક, જાતિવાદ, પ્રાંતવાદની રાજનીતીને દુર કરી વિકાસની રાજનીતીનું કામ વડાપ્રધાન મોદીએ કર્યુ. મોદી વડાપ્રધાન બનતાની સાથે માત્ર 17 દિવસ ની અંદર નર્મદાડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી જો કોંગ્રેસ હોત તો હજુ પણ મંજુરી આપી ન હોત. ગુજરાતના કોઇ પણ શહેર કે કોઇ પણ ગામડે જઇએ ત્યારે જે વિકાસ દેખાય છે તેની ભેટ વડાપ્રધાન મોદીએ આપી છે પણ કોંગ્રેસને વિકાસ દેખાતો નથી, તેમણે આખે પાટા બાંધ્યા છે. જેમને પીળીયો થયો હોય તેને બધુ પીળું જ દેખાય. કોંગ્રેસ એટલે ખોટા વાયદા અને જુઠ્ઠ્ણાઓ, કોંગ્રેસ એટલે કોમન વેલ્થ કૌભાંડ,કોંગ્રેસ એટલે ટજી સ્પેક્ટ્રમ કોંભાંડ, કોંગ્રેસ એટલે કોલ બ્લોક ઓકશન કૌભાંડ, કોંગ્રેસ એટલે આદર્શ હાઉસિંગ કૌભાંડ. આજે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત હાથોમાં છે.
જગદીશ વિશ્વકર્માએ ભાજપા કાર્યકર્તાઓને ભાજપાની રાષ્ટ્રભાવના અને સરકારની કામગીરીને જન જન સુધી પંહોચાડી આગામી સ્થાનિક સ્વરાજયની ચૂટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરવા હુંકાર ભર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સહિત સ્થાનિક ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ