

પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ B ડિવિઝન પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઓવરલોડ અને બેફામ ગતિએ દોડતા 16થી વધુ ડમ્પરોને ડિટેઇન કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી બેફામ ડમ્પરોને કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરેલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જરૂરી દસ્તાવેજો અને ઓવરલોડ અંગે તપાસ કર્યા બાદ તમામ ડમ્પરોને પોલીસ મથકે લાવી ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેના કારણે ડમ્પર માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.
મોટી સંખ્યામાં ડમ્પરો પકડાતા B ડિવિઝન પોલીસ મથક પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ડિટેઇન કરાયેલા તમામ ડમ્પરો સામે આરટીઓ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ