

પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ ખાતે વર્ષ 2026-27ના યુનિયન બજેટને અનુલક્ષીને યુનિયન બજેટ 2026 ટોક @કેમ્પસ વિષય પર સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં APMC-પાટણના ચેરમેન સ્નેહલ પટેલ, કુલપતિ ડો. કે.સી. પોરિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીમ્મીભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. એસ. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના વડા ડો. નિશીથ ભટ્ટે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં ડો. અશ્વિન મોદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે કુલપતિ ડો. કે.સી. પોરિયાએ બજેટ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્નેહલ પટેલે સરળ ભાષામાં બજેટનું દેશના વિકાસમાં મહત્વ સમજાવ્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીમ્મી મોદીએ વર્તમાન બજેટ તથા સ્ટાર્ટઅપ સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબોથી તજજ્ઞો પ્રભાવિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પાર્થ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સેમિનારને સફળ બનાવવા વિભાગના સ્ટાફે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ