
- કડક ચેકિંગ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સાથે પાટણના વકીલો હાલ હડતાળ પર ઉતર્યા.
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારિયા વડે વકીલો પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સમયે અંદાજે 200થી વધુ વકીલો હાજર હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાજર વકીલોએ હિંમત દાખવી હુમલાખોરને પકડી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો, ત્યારબાદ પોલીસનો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચી ગયો હતો.
આ બનાવ બાદ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા જ કોર્ટમાં મેટલ ડિટેક્ટર મૂકાયું હતું, પરંતુ તેનો ઉપયોગ શરૂ ન થતાં હુમલાખોર હથિયાર સાથે અંદર ઘૂસી શક્યો હતો. વકીલોએ અગાઉ પણ અજાણી વ્યક્તિઓની તપાસ અને હથિયારધારી પોલીસની તૈનાતી વધારવા રજૂઆત કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
પાટણ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સુભાષ એચ. ઠાકોરે ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક પોલીસ ફરિયાદ અને પંચનામું કરવાની માંગ કરી છે. સાથે જ ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી છે. વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી તેઓ કામકાજથી અળગા રહેશે.
આ ઘટનાને પગલે વકીલોમાં ભારે રોષ ફેલાયો છે અને ‘એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ લાગુ કરવાની માંગ તેજ બની છે. એસ.પી. અને કલેક્ટરને રજૂઆત કરી કોર્ટ પરિસરમાં હથિયારધારી પોલીસ તૈનાત કરવા તેમજ કડક ચેકિંગ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સાથે પાટણના વકીલો હાલ હડતાળ પર ઉતર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ