
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.)રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરે એક માતાએ પોતાના પુત્ર અને બહેનના કોરોનામાંથી સાજા થવા બદલ અનોખી માનતા પૂર્ણ કરી હતી. દસાડા તાલુકાના સુંશિયા ગામની વતની અને હાલ અમદાવાદ રહેતી સુરેખાબેન દિનેશભાઈ સાધુએ કોરોનાકાળ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી હતી કે બંને સ્વસ્થ થાય તો તેઓ રોકડા સિક્કાથી તુલા કરશે.
કોરોના મહામારી દરમિયાન તેમના પુત્ર અજય અને બહેન જનકબેન ગંભીર રીતે સંક્રમિત થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચારે તરફથી મૃત્યુના સમાચાર વચ્ચે પરિવારે દવાઓ સાથે ભગવાનના આશીર્વાદ પર વિશ્વાસ રાખ્યો હતો.
ભગવાનની કૃપા અને સારવારથી બંને સ્વસ્થ થયા બાદ સુરેખાબેને પોતાની માનતા પૂર્ણ કરી. સુંશિયા ગામે મારુતિ યજ્ઞ યોજાયા બાદ રાધનપુર ખાતે તુલા વિધિ કરવામાં આવી હતી.
પુત્ર અજયનું 94 કિલો અને બહેન જનકબેનનું 76 કિલો એમ કુલ 170 કિલો સિક્કાથી તુલા કરવામાં આવી, જેની કિંમત રૂ. 1.85 લાખ થઈ હતી. સુરેખાબેને જણાવ્યું કે આ રકમ પરિવારની દીકરીઓને ચાંદીની ગૌ માતાના પ્રતીક રૂપે ભેટ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ