ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને 'મંથન બેઠક' યોજાઈ
- કેન્દ્રીય સહકારિતા મંત્રીએ સહકારી સંસ્થાઓના રૂ. 265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ગાંધીનગર, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવાના હેતુથી આજે ગાંધીનગરના મહ
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


- કેન્દ્રીય સહકારિતા મંત્રીએ સહકારી સંસ્થાઓના રૂ. 265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવાના હેતુથી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની એક ઉચ્ચ સ્તરીય 'મંથન બેઠક' કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ મંથન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના શુભારંભ સત્ર દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીના હસ્તે ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના કુલ રૂ. ૨૬૫.૩૦ કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેની વિગતો નીચે મુજબ છે:

- શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૪૦ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઇથેનોલ ડીસ્ટીલરી પ્લાન્ટનું લોકાર્પણ

- શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ૩૦ મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ

- શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૮ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઓર્ગેનિક પોટાસ પ્લાન્ટનું લોકાર્પણ

- અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. ૪૦ કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વેરહાઉસનું લોકાર્પણ

- અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વ્હે પ્રોટીન કન્સન્ટ્રેશન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

- અમરેલીની સાવરકુંડલા APMC ખાતે રૂ. ૩.૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત

- પાટણ APMC ખાતે રૂ. ૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત

આ બેઠકના શુભારંભ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પધ્ધતિઓ અને “આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫” પરના એક વિશેષ અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.

મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની ૨૦ જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ આ પ્રદર્શનીનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રદર્શનમાં NDDB, અમૂલ, ઇફકો અને બનાસ ડેરી જેવી સંસ્થાઓએ પોતાની અત્યાધુનિક સેવાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ, NFDB, NCEL, BBSSL અને NCOL જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ સહિત કુલ ૭૮ જેટલા પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિર ખાતે આજે યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરી, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓએ ટેકનોલોજીના ઉપયોગ અને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અંગે દિવસ દરમિયાન વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande