


- સુનિલભાઈ મહેતા (અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ, રા.સ્વ. સંઘ)નું ઉદ્બોધન.
અમદાવાદ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : કર્ણાવતી ખાતે ‘માધવ સ્મૃતિ ન્યાસ’ દ્વારા દર વર્ષે યોજાતી ‘શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાએ ‘સંઘ, 100 વર્ષની યાત્રા – નવી ક્ષિતિજ’ વિષય પર પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. જેમાં તેઓશ્રીએ સંઘની 100 વર્ષની યાત્રા કેવી રીતે આગળ વધી, સંઘનો વિચાર, કાર્યશૈલી, સામાજિક યોગદાન અને હવે… આગામી સમયમાં સંઘ કઈ દિશામાં, કેવાં કામો સાથે સમાજ પરિવર્તન માટે આગળ વધવાનો છે, તે અંગેની સંઘ યોજના પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે રા.સ્વ. સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા તથા કર્ણાવતી મહાનગરના સંઘચાલક મહેશભાઈ પરીખ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. ન્યાસના ન્યાસી ડૉ. સુનીલભાઈ બોરીસા તથા અન્ય ન્યાસી એવા ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપરાંત રા.સ્વ. સંઘના પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્ર સહપ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક નિમેષભાઈ પટેલ, ગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ સહિત સમાજના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘માધવ સ્મૃતિ ન્યાસ’ના ન્યાસી નંદુભાઈ પટેલે માધવ સ્મૃતિ ન્યાસનો સંક્ષિપ્ત પરિચય આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ