
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પાટણ શહેરમાં ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા’ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરના સતત વિસ્તરણ અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ ચાલતી સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં વધારો થયો છે.
પાટણ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું શહેર છે. અહીં રાણીકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ જેવા વિશ્વવિખ્યાત પર્યટન સ્થળો આવેલા છે. રેલવે સ્ટેશન અને નવા બસ સ્ટેશનના વિકાસને કારણે શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
ઉપરાંત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાટણ આવે છે. જાહેર પરિવહનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને મહિલાઓને મોંઘા ભાડા ચૂકવી ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સરકાર ગ્રાન્ટ ફાળવી નવી બસ સેવા શરૂ કરે તો શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોને આર્થિક રાહત મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ