

પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણની કલાનગર સોસાયટીમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી દબાણનો પ્રશ્ન ગંભીર બન્યો હતો. સ્થાનિક રહેવાસીઓની રજૂઆતો બાદ નગરપાલિકાએ ઓચિંતી તપાસ હાથ ધરી અને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી.
ચીફ ઓફિસર હિરલ ઠાકરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝુંબેશ ચલાવી. સોસાયટીના માર્ગો પર 0.5 મીટરથી 2 મીટર અને 2.5 મીટરથી 8-10 મીટર સુધીના નાના-મોટા ગેરકાયદેસર દબાણો હતા, જેના કારણે અવરજવર અને પાયાની સુવિધાઓમાં અવરોધ ઉભો થતો હતો.
કોર્ટમાં કેસ ચાલતા દબાણોને હાલ માટે બાકાત રાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય તમામ કાચા-પાકા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા. પ્રાથમિક અંદાજ મુજબ 10થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા.
લાંબા સમયથી લટકતો પ્રશ્ન ઉકેલાતા રહેવાસીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. નગરપાલિકાએ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને દબાણમુક્ત શહેર બનાવવાની કામગીરી ચાલુ રાખવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ