
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા વિવિધ કૃષિ જણસીઓના કામકાજમાં છ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. યાર્ડ સંચાલક મંડળે ખેડૂતો અને વેપારીઓને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની નવી આવક ન લાવવા માટે વિનંતી કરી છે.મળતી માહિતી મુજબ, હોળી-ધુળેટીના તહેવારોને કારણે યાર્ડમાં હરાજી, લોડિંગ, અનલોડિંગ સહિતની તમામ કામગીરી નિર્ધારિત દિવસો સુધી બંધ રહેશે. તહેવારો દરમિયાન યાર્ડમાં કામકાજ ઘટતું હોય છે અને મજૂરો તથા વેપારીઓની હાજરી પણ ઓછી રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.યાર્ડ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે રજાકાળ દરમિયાન કૃષિ ઉપજ લાવવાથી ખેડૂતોને અનાવશ્યક મુશ્કેલી પડી શકે છે, કારણ કે હરાજી પ્રક્રિયા નહીં ચાલે અને માલનો નિકાલ શક્ય નહીં બને. તેથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ રજાકાળ પૂર્ણ થયા બાદ જ પોતાની ઉપજ યાર્ડમાં લાવે.આગામી તારીખ 8 માર્ચ, રવિવારથી યાર્ડમાં રાબેતા મુજબ નવી આવક લેવામાં આવશે અને તમામ નિયમિત કામગીરી શરૂ થશે. યાર્ડ સંચાલકોએ વેપારીઓને પણ અગાઉથી તૈયારી રાખવા અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવા સૂચના આપી છે.હોળી-ધુળેટી જેવા તહેવારોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આનંદમય વાતાવરણ હોય છે. આવા પ્રસંગોએ બજાર વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે સમયસર રજા જાહેર કરવામાં આવતી હોય છે. યાર્ડ તંત્રએ ખેડૂતો અને વેપારીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે, જેથી તહેવારો બાદ કામગીરી સરળતાથી શરૂ કરી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT