અમેરિકાના ટેરિફમાં ઘટાડાથી સુરતના હીરા ઉદ્યોગને નવી સંજીવની
સુરત, 04 ફેબ્રુઆરી (હિ.સ.) અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરાયેલો ભારે 50 ટકા આયાત ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાનો નિર્ણય લેતા સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાઈ છે. છેલ્લા છ મહિનાથી આ ઉદ્યોગ મંદીના દબાણ હેઠળ હતો, ત્યારે હવે
Surat


સુરત, 04 ફેબ્રુઆરી (હિ.સ.) અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરાયેલો ભારે 50 ટકા આયાત ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાનો નિર્ણય લેતા સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાઈ છે. છેલ્લા છ મહિનાથી આ ઉદ્યોગ મંદીના દબાણ હેઠળ હતો, ત્યારે હવે આ રાહત ઉદ્યોગ માટે નવજીવન સમાન સાબિત થશે.

અમેરિકા ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર ગણાય છે. કુલ નિકાસમાં લગભગ 30 ટકા હિસ્સો અમેરિકાનો છે અને વાર્ષિક આશરે 10 અબજ ડોલરની નિકાસ થાય છે. જોકે, 2025માં અમેરિકા દ્વારા તબક્કાવાર 25-25 ટકા ટેરિફ વધારાતા કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો હતો. તેની સીધી અસર રૂપે એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતીય હીરા-ઝવેરાતની નિકાસમાં 44 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો હતો.

“ઉદ્યોગમાં ફરી આશાનો સંચાર થયો” – દિનેશ નાવડિયા

સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ઊંચા ટેરિફને કારણે સુરતની અનેક પોલિશિંગ યુનિટ્સમાં કામદારોની નોકરી જોખમમાં આવી ગઈ હતી અને ઉદ્યોગ પર નાણાકીય દબાણ વધી ગયું હતું. હવે 18 ટકા ટેરિફ લાગુ થતાં નિકાસકારોને સ્પર્ધાત્મક ભાવે માલ વેચવાની તક મળશે, જેના પરિણામે નવા ઓર્ડર મળશે અને રોજગારીમાં સ્થિરતા આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાનો આ નિર્ણય, બંને સાથે મળીને હીરા અને ઝવેરાત ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. માસ માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગમેન્ટમાં ફરીથી ભારતીય હીરાની માંગ વધવાની શક્યતા છે.

CVD અને HPHT ક્ષેત્રે રોજગારી વધશે – શાંતિ ધાનાણી

સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શાંતિ ધાનાણીએ જણાવ્યું કે, ટેરિફમાં થયેલા મોટા ઘટાડાથી ખાસ કરીને લો-વેલ્યુ CVD અને HPHT ડાયમંડ સેગમેન્ટમાં કામ વધશે. અત્યાર સુધી 50 ટકા ટેરિફના કારણે અમેરિકામાં નિકાસ મુશ્કેલ બની હતી, પરંતુ હવે પરિસ્થિતિ અનુકૂળ બનશે.

તેમણે જણાવ્યું કે સુરતમાં અંદાજે 8 થી 10 લાખ રત્નકલાકારો કાર્યરત છે. કામમાં વધારો થવાથી માત્ર શહેર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બંધ થયેલી ફેક્ટરીઓ ફરી શરૂ થવાની સંભાવના છે.

“ટેરિફ કટ હીરા ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ” – દામજી માવાણી

સુરત ડાયમંડ એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી દામજી માવાણીએ આ નિર્ણયને હીરા ઉદ્યોગ માટે ‘બૂસ્ટર ડોઝ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને યુરોપના બજારો ભારતીય હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વના છે. હવે ટેરિફમાં સીધો ઘટાડો થતાં ઉદ્યોગમાં ફરી તેજી આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

નિકાસ અને રોકાણમાં વધારો થશે – ધીરૂ સવાણી

સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી ધીરૂ સવાણીએ જણાવ્યું હતું કે, ટેરિફ ઘટાડાનો લાભ માત્ર ઉદ્યોગ સુધી સીમિત નહીં રહે, પરંતુ તે દેશના અર્થતંત્રને પણ મજબૂતી આપશે. હીરા ઉદ્યોગ ભારત માટે વિદેશી હૂંડિયામણનો મોટો સ્ત્રોત છે અને હવે નિકાસ તેમજ રોકાણ બંનેમાં વધારો થવાની શક્યતા છે.

તેમણે ભારત સરકારના રાજદ્વારી પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય હીરા ઉદ્યોગ અને રાષ્ટ્રહિત માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને આગામી સમયમાં ઉદ્યોગ ફરી એકવાર ઝડપી ગતિએ આગળ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande