
સુરત, 10 માર્ચ (હિ.સ.): સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા ઓફિસમાં એસીના કોમ્પ્રેસરમાં અચાનક ધડાકો થતાં આગ લાગી હતી. બ્લાસ્ટ પછી થોડા જ પળોમાં ઓફિસમાં આગ ફેલાતાં આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે ઓફિસમાં હાજર બે કર્મચારીઓએ સમયસર બહાર નીકળી જઈ પોતાનો બચાવ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું. શહેરના ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી કુલ ચાર ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને વધુ નુકસાન થતું અટકાવ્યું.
આગના કારણે ઓફિસમાં રહેલું ફર્નિચર, પંખા તેમજ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને નષ્ટ થઈ ગયું હતું. જોકે ઓફિસમાં રાખવામાં આવેલી આશરે 1.10 લાખ રૂપિયાની રોકડ રકમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને બાદમાં તે માલિકને સોંપવામાં આવી હતી.
શહેરમાં વધતા તાપમાન વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. મહિધરપુરાની આ ઘટનામાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એસી કોમ્પ્રેસરનો બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે