
પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણના સુજનીપુર રોડ પર રાવળ વિકાસ મંચ દ્વારા ઉત્તર ગુજરાતના પ્રથમ શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના 500થી વધુ ગામોમાંથી વિધિવત પૂજન કરેલી ઈંટો લાવવામાં આવી હતી અને તે ઈંટોથી સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા અમદાવાદની સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડ (ભુવાજી)એ આશરે ₹2.51 કરોડના ખર્ચે બનનાર આ સંકુલ માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સમાજની પ્રગતિની ચાવી છે અને આ સંકુલ રાવળ દેવ સમાજના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે.
આ પ્રસંગે 500 ગામોના સમાજના આગેવાનો અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાવળ વિકાસ મંચના પ્રમુખ ડી.કે. રાવળ, પ્રહલાદભાઈ આર. રાવળ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ શૈક્ષણિક સંકુલમાં અદ્યતન છાત્રાલય, લાયબ્રેરી અને ગ્રામિણ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ થશે. સાથે જ GPSC-UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ હોલ, બહારગામથી આવતા જ્ઞાતિબંધુઓ માટે શિવ વિશ્રામ ગૃહ, તેમજ પ્રાર્થના ખંડ અને ભોજન હોલની વ્યવસ્થા પણ બનાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ