

ગાંધીનગર, 11 માર્ચ (હિ.સ.) ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘સાહિત્ય અને સર્વાંગી બાળ વિકાસ: બહુરૂપ, કાર્યો અને વૈશ્વિક આંતરદૃષ્ટિ’ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ વિભાગની પીએમ-ઉષા સ્કીમ હેઠળ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના બાળસાહિત્ય, ફિલ્મ, મ્યુઝિયમ અને શારીરિક શિક્ષણ વિભાગ તેમજ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોહથી આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સત્રમાં અધ્યક્ષસ્થાને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોષી તો મુખ્ય અતિથિ તરીકે પ્રોફ. મિલિંદ મરાઠે, ચેરમેન, નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં પ્રો. મિલિંદ મરાઠેએ ભારતીય બાળશિક્ષણના પિતામહ ગિજુભાઈ બધેકાને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવી અત્યંત જરૂરી છે. સતત વાંચન દ્વારા શબ્દભંડોળ સમૃદ્ધ બને છે અને વિચારશક્તિ વિકસે છે. બાળક માત્ર સાંભળીને નહીં પરંતુ જોઈને શીખે છે, તેથી જો માતા-પિતા અને પરિવારજનો નિયમિત વાંચન કરે તો બાળક પણ તે જોઈને વાંચનની ટેવ વિકસાવે છે. આ માટે પરિવારમાં વાંચનની પરંપરા વિકસાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.
જ્યારે અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલપતિ ડૉ. ટી. એસ. જોષીએ જણાવ્યું હતું કે, જ્ઞાન મૂળભૂત રીતે અખંડ છે અને આ અખંડ જ્ઞાનની સાધના કરવા માટે આજે શિક્ષણવિદો અને સંશોધકો અહીં એકત્ર થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાહિત્યને માત્ર સીમિત લોકો સુધી મર્યાદિત રાખવું યોગ્ય નથી; સાહિત્ય સમાજના તમામ વર્ગો સુધી પહોંચે ત્યારે જ તે માનવ વિકાસનું શક્તિશાળી સાધન બની શકે છે.
કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર નિષ્ણાત વક્તાઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાત તરીકે ડૉ. કુસુમાકર નેઉપાને, પ્રોફેસર, ત્રિભુવન યુનિવર્સિટી, નેપાળ દ્વારા “ બાળકોના સર્વાંગી શિક્ષણ અને વિકાસ માટે નેપાળી મૌખિક લોક કથાઓ” વિષય પર, ડૉ. ફિલિપ રૂસિંસ્કી, પ્રોફેસર, ઓપોલે યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, પોલેન્ડ દ્વારા ‘પોલિશ સાહિત્ય અને બાળ શિક્ષણ સાથે તેની સુસંગતતા, ડૉ. કિરણ ત્રિવેદી, એસોસિએટ પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ગિફ્ટ સિટી, ગાંધીનગર દ્વારા “જ્યારે સાહિત્ય AIને મળે છે: સર્વાંગી બાળ વિકાસ પર પુનર્વિચાર” વિષય પર અને પ્રોફ. લલિત પટેલ, પ્રિન્સિપાલ, ઉમા આર્ટ્સ એન્ડ નાથિબા કોમર્સ મહિલા કોલેજ, ગાંધીનગર દ્વારા ‘શાસ્ત્રીય સંસ્કૃત કથાઓ ‘ મારફતે સર્વાંગી બાળવિકાસ વિષય પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
જે બાદ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લેનાર 170 સહભાગીઓ દ્વારા પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેને આગામી સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં કન્વીનર તરીકે ડૉ. કૃણાલ પંચાલ તો કોઓર્ડિનેટર તરીકે ડૉ. ભૈરવી દીક્ષિતે ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ