
તેહરાન, નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.). ઈરાનમાં તેલના ડેપો પર હુમલા બાદ, ઝેરી ધુમાડાના જાડા વાદળો વાતાવરણમાં ફેલાઈ ગયા છે. તેના જવાબમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ, 'કાળા વરસાદ' અથવા ઝેરી વરસાદની સંભાવના વિશે ચેતવણી જારી કરી છે.
ડબ્લ્યુએચઓ ના જણાવ્યા મુજબ, તેલના ડેપો પર હુમલા બાદ હવામાં મોટી માત્રામાં ઝેરી રસાયણો છોડવામાં આવ્યા છે. આ રસાયણોમાં ઝેરી હાઇડ્રોકાર્બન, સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન સંયોજનોનો સમાવેશ થાય છે, જે તેલ-મિશ્રિત વરસાદનું કારણ બની શકે છે.
સંસ્થાએ ચેતવણી આપી છે કે, આ પ્રદૂષણ શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને આંખ અને ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આવા ઝેરી પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધી શકે છે.
ડબ્લ્યુએચઓ એ, ઈરાની નાગરિકોને સતર્ક રહેવા અને શક્ય હોય તો ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. તેણે લોકોને પ્રદૂષિત વરસાદથી બચવા અને માસ્ક પહેરવા જેવા રક્ષણાત્મક પગલાં અપનાવવા પણ વિનંતી કરી છે.
નિષ્ણાતો માને છે કે, જો તેલ સ્થાપનોમાં લાગેલી આગ અને ધુમાડાને ઝડપથી કાબુમાં લેવામાં નહીં આવે, તો તેની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર લાંબા ગાળાની અસરો પડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ