
- જમીન NA કરવાના કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ જેલમાં બંધ
અમદાવાદ,12 માર્ચ (હિ.સ.) સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ જમીન NA કરવાના કૌભાંડમાં જેલમાં બંધ છે. આજે ફરી તેમનો જેલવાસ લંબાયો છે. જમીન કૌભાંડ કેસમાં જામીન મુક્ત થવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી નકારી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેકટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા.
કલેકટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
અગાઉ ED વતી રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો.સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો.આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે.
આરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે.જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેકટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ