
પાટણ, 12 માર્ચ (હિ.સ.)પાટણના બોરસણ-રામનગર રોડ પર હિટ એન્ડ રન અકસ્માતમાં 19 વર્ષીય મિત વિષ્ણુ પટેલનું મોત થયું છે. પૂરઝડપે આવતી રિક્ષાએ તેમની એક્ટિવાને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો.
ચંદ્રુમાણા ગામના વતની અને હાલ બોરસણ ખાતે રહેતા મિત વિષ્ણુભાઈ પટેલ 11 માર્ચ, 2026ના રોજ સવારે લગભગ 11 વાગ્યે એક્ટિવા પર બોરસણથી પાટણ તરફ જઈ રહ્યા હતા. પદ્મનાથ ચોકડી નજીક સામેથી આવતી રિક્ષાએ તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓને કારણે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે મૃતકના સંબંધી ભૂમિક પ્રહલાદભાઈ પટેલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 281, 125(a), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પીએસઆઈ વિજયસિંહ રણજીતસિંહ ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ