
સુરત, 13 માર્ચ (હિ.સ.) : સુરતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો વધુ એક મોટો કિસ્સો બહાર આવ્યો છે. ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા ‘અવસર પ્લાઝા’માં ચાલી રહેલા નકલી ઘીના કારખાનામાં ઉત્રાણ પોલીસે દરોડો પાડી મોટું કૌભાંડ પર્દાફાશ કર્યું છે. પોલીસે અહીંથી આશરે 2200 નકલી ઘીના ડબ્બા સહિત કુલ ₹4.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અવસર પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નં. 106 અને 108માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દુકાન નં. 106માં આધુનિક મશીનરી સાથે નકલી ઘી બનાવવાનો કારખાનો ચલાવવામાં આવતો હતો, જ્યારે બાજુની દુકાન નં. 108માં તૈયાર માલ સંગ્રહ માટે સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ સોયાબીન તેલ અને ડાલડાને ગરમ કરીને તેમાં ઘી જેવી સુગંધ માટે કેમિકલ એસેન્સ અને પીળો રંગ આપવા કૃત્રિમ કલર ઉમેરતા હતા. ત્યારબાદ આ મિશ્રણને ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવા બ્રાન્ડના સ્ટીકર લગાડેલા ડબ્બાઓમાં પેક કરીને બજારમાં ‘શુદ્ધ ગાયનું ઘી’ તરીકે વેચવામાં આવતું હતું.
દરોડા દરમિયાન પોલીસે 583 લિટર તૈયાર નકલી ઘી (અંદાજે ₹3.50 લાખથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા, સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, તેમજ સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડર સહિત કુલ ₹4,94,940નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તપાસમાં ખુલ્યું છે કે આ કૌભાંડ છેલ્લા લગભગ દોઢ વર્ષથી ચાલુ હતું. કેસમાં નિહાર ભરતભાઈ મોવલિયા (ઉં. 32) તૈયાર નકલી ઘીનું સ્થાનિક બજારોમાં સપ્લાય અને વેચાણ સંભાળતો હતો, જેને પોલીસે અટકાયત કરી છે. જ્યારે પિયુષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) સમગ્ર મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો અને હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેની શોધખોળ માટે ટીમો રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે