
સુરત, 13 માર્ચ (હિ.સ.) સુરત જિલ્લા સેવા સદન સ્થિત ફેમિલી કોર્ટમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પાંચમા માળે આવેલી કોર્ટ નંબર-6માં વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંકતા કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
માહિતી મુજબ દંપતી વચ્ચે ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. બંને પક્ષકારો સુનાવણી માટે કોર્ટમાં હાજર રહ્યા હતા. તે દરમિયાન આગળની હરોળમાં બેઠેલી પત્ની પર પાછળ બેઠેલા પતિએ અચાનક એસિડ ભરેલી બોટલ ફેંકી હુમલો કર્યો હતો. ઘટનામાં આસપાસ બેઠેલા કેટલાક વકીલો પર પણ એસિડના છાંટા પડ્યા હતા.
હુમલો કર્યા બાદ આરોપી વૃદ્ધે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી અને બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને નજરે જોયેલી મહિલા વકીલે જણાવ્યું હતું કે, તેઓ આગળની હરોળમાં બેઠા હતા ત્યારે પાછળથી અચાનક ચીસો સંભળાઈ અને એસિડના છાંટા તેમની ઉપર પણ પડ્યા હતા. પાછળ ફરીને જોયું ત્યારે પતિ પોતાની પત્ની પર બોટલમાંથી એસિડ નાખી રહ્યો હતો, જેના કારણે મહિલાના ચહેરા પર ગંભીર અસર થઈ હતી.
અન્ય વકીલના જણાવ્યા મુજબ, કોર્ટમાં સુનાવણી દરમિયાન અચાનક ચીસાચીસ શરૂ થઈ હતી. બાદમાં ખબર પડી કે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું છે. બંનેની ઉંમર અંદાજે 65થી 70 વર્ષ જેટલી હોવાનું જણાવાયું છે.ઘટના બાદ પોલીસે સ્થળ પરથી એસિડની બોટલ સહિત પુરાવા જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે