
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને CREDAI ગાંધીનગર અને કન્સલ્ટિંગ એન્જિનિયર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગામી ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને 'હીટ વેવ' વ્યવસ્થાપન અને શહેરના વિકાસલક્ષી વહીવટી પ્રક્રિયાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હીટ વેવ એક્શન પ્લાન: ઉનાળા દરમિયાન વધતા તાપમાન અને હીટ વેવની અસરોથી નાગરિકો તેમજ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોને સુરક્ષિત રાખવા માટેના આગોતરા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિકાસ અને વપરાશ પરવાનગી (Development & BU Permission): બિલ્ડરો અને એન્જિનિયર્સને પડતી વહીવટી મુશ્કેલીઓના નિવારણ માટે 'વિકાસ પરવાનગી' અને 'વપરાશ પરવાનગી' (BU) ની પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા અંગે વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિયમોનું પાલન: મહાનગરપાલિકાના નિયમો મુજબ બાંધકામ ક્ષેત્રે જરૂરી ટેકનિકલ પાસાઓ અને ડોક્યુમેન્ટેશન બાબતે કન્સલ્ટિંગ એન્જિનિયર્સને વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સુનિયોજિત વિકાસ માટે કોર્પોરેશન અને ડેવલપર્સ વચ્ચેનો આવો સમન્વય અનિવાર્ય છે. CREDAI ગાંધીનગરના હોદ્દેદારોએ આ પહેલને આવકારી હતી અને શહેરના વિકાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
આ પ્રસંગે CREDAI ગાંધીનગરના સભ્યો, જાણીતા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ