પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત 6 રાજ્યોને 1,912 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાય
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.)। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિ (એચએલસી)એ, વર્ષ 2025 દરમિયાન આવેલી પૂર, ફ્લેશ ફ્લડ, વાદળ ફાટવાની ઘટના, ભૂસ્ખલન અને ચક્રવાતી તોફાન ‘મોન્થા’થી પ્રભાવિત છ રાજ્યો માટે 1,912.99 કરોડ રૂપ
પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત 6 રાજ્યોને 1,912 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાય


નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.)। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિ (એચએલસી)એ, વર્ષ 2025 દરમિયાન આવેલી પૂર, ફ્લેશ ફ્લડ, વાદળ ફાટવાની ઘટના, ભૂસ્ખલન અને ચક્રવાતી તોફાન ‘મોન્થા’થી પ્રભાવિત છ રાજ્યો માટે 1,912.99 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ સહાય રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ કોષ (એનડીઆરએફ) માંથી આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે, આ રકમમાંથી આંધ્ર પ્રદેશને 341.48 કરોડ રૂપિયા, છત્તીસગઢને 15.70 કરોડ રૂપિયા, ગુજરાતને 778.67 કરોડ રૂપિયા, હિમાચલ પ્રદેશને 288.39 કરોડ રૂપિયા, નાગાલેન્ડને 158.41 કરોડ રૂપિયા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને 330.34 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સહાય રાજ્યોના રાજ્ય આપદા પ્રતિસાદ કોષ (એસડીઆરએફ)માં ઉપલબ્ધ વર્ષના શરૂઆતના બેલેન્સના 50 ટકા સમાયોજનના આધારે આપવામાં આવશે.

સરકારે જણાવ્યું છે કે પ્રાકૃતિક આપદાઓના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યોની સાથે ખભે ખભો મિલાવીને ઉભી રહે છે અને દરેક શક્ય મદદ પૂરી પાડે છે.

વિત્ત વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફ હેઠળ 28 રાજ્યોને 20,735.20 કરોડ રૂપિયા અને એનડીઆરએફ હેઠળ 21 રાજ્યોને 3,628.18 કરોડ રૂપિયા જારી કર્યા છે. આ ઉપરાંત રાજ્ય આપદા ન્યૂનીકરણ કોષ (એસડીએમએફ)માંથી 23 રાજ્યોને 5,373.20 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપદા શમન કોષ (એનડીએમએફ)માંથી 21 રાજ્યોને 1,189.56 કરોડ રૂપિયા પણ જારી કરવામાં આવ્યા છે.

હિંદુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande