
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ, દેશમાં ગુમ થયેલા વ્યક્તિઓની વધતી સંખ્યા અને તેમને શોધવામાં વહીવટીતંત્રના નિરાશાજનક પ્રદર્શન પર કડક વલણ અપનાવ્યું છે. આ બાબતની સ્વતઃ નોંધ લેતા, પંચે બિહાર, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી) ને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.
પંચે નોંધ્યું છે કે, 9 માર્ચ, 2026 ના રોજના મીડિયા અહેવાલ મુજબ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના ડેટા દર્શાવે છે કે, ઓડિશા, બિહાર, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં માનવ તસ્કરીના સૌથી વધુ કેસ નોંધાયા છે. કિશોર તસ્કરીના કેસોમાં ઓડિશા મોખરે છે, ત્યારબાદ બિહાર આવે છે. રાજસ્થાનમાં કિશોર તસ્કરીના સૌથી વધુ કેસ છે. એવી શંકા છે કે, આ બાળકોને ભીખ માંગવા, બાળ મજૂરી, વેશ્યાવૃત્તિ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં મજબૂર કરવામાં આવે છે. બિહારમાં, 2013 થી વાર્ષિક ધોરણે નોંધાયેલા 12,000-14,000 ગુમ થયેલા વ્યક્તિઓના કેસમાંથી ફક્ત બે તૃતીયાંશ લોકોને જ બચાવી શકાયા છે. આમાંના ઘણા બાળકો છે.
કમિશનના અહેવાલમાં ગુમ થયેલા વ્યક્તિઓ, ખાસ કરીને બાળકોની વધતી જતી સંખ્યાને સંબોધવા માટે સૂચિત પગલાંઓની રૂપરેખા આપવામાં આવી છે, અને એનસીઆરબી ને આ રાજ્યોમાં ગુમ થયેલા વ્યક્તિઓની સ્થિતિ અંગે નવીનતમ આંકડાકીય માહિતી પ્રદાન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ