
વલસાડ, 13 માર્ચ (હિ.સ.): વલસાડ શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરો ઉઠાવતાં ટ્રેક્ટરથી અકસ્માત સર્જાયો હતો. ટાવર નજીકથી પસાર થતું ટ્રેક્ટર અચાનક બેકાબૂ બનતા રોડની બાજુમાં ઉભા રાખેલા અનેક બાઇક્સ અને અન્ય વાહનોને ટક્કર મારી દીધી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.
માહિતી મુજબ, સવારના સમયે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ રહી હતી ત્યારે આ ઘટના બની. ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન સીધું પાર્ક કરેલા વાહનો તરફ દોડી ગયું. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા અને થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ટ્રેક્ટરનો નિયમિત ડ્રાઈવર ત્યાં હાજર નહોતો અને કોઈ અજાણ્યા વ્યક્તિને વાહન ચલાવવા માટે આપી દેવામાં આવ્યું હતું. તેમના કહેવા મુજબ બિનઅનુભવી વ્યક્તિના હાથમાં સરકારી ટ્રેક્ટર આપવાને કારણે આ અકસ્માત સર્જાયો છે.
આ ઘટનાને લઈને વેપારીઓ અને સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો. લોકો દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હવે પાલિકા આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે