




અંબાજી, 14 માર્ચ (હિ.સ.)બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બેડાપાણી મુકામે હનુમાનજી મંદિર ખાતે આજે ૧૨ ગામોના વનવાસી સમાજનું એક વિશાળ 'હિન્દુ સંમેલન' યોજાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત સાધુ-સંતો, મહંતો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારોમાં સનાતન ધર્મની જ્યોત અવિરત પ્રગટતી રાખવાનો અને ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે સમાજને જાગૃત કરવાનો હતો. ઉપસ્થિત જનમેદનીએ એકસૂરે ધર્મ પરિવર્તન કરાવતા લોકોનો બહિષ્કાર કરવા અને સનાતન ધર્મનું રક્ષણ કરવાના શપથ લીધા હતા.આદિવાસી સમાજના આગેવાનોએ સભાને સંબોધતા ગર્વભેર જણાવ્યું હતું કે, અમારો ગરાસિયા સમાજ આદિ-અનાદિ કાળથી સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. આપણા પૂર્વજો સદીઓથી દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે. આજે પણ ખેતીનો પ્રથમ પાક 'ભૂમિ રાજ ઘુમિયા જી' ને અર્પણ કરવાની પરંપરા હોય કે મા અંબા, ભેરુજી, શિવજી અને રામની આસ્થા, આદિવાસી સમાજ હંમેશા હિન્દુ સંસ્કૃતિનો રક્ષક રહ્યો છે. સમાજમાં પરસ્પર મિલન વખતે 'રામ-રામ' કહેવાની જે વર્ષો જૂની પરંપરા છે તે જ સાબિત કરે છે કે આપણે રામના વંશજો છીએ. બહારના લોકો આવીને આપણી આ પવિત્ર પૂજા પદ્ધતિ બંધ કરાવવા પ્રયાસ કરે છે, જેનો હવે જડબાતોડ વિરોધ કરવામાં આવશે.સ્થાનિક આગેવાન વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વિધર્મી તાકાતો ગરીબ અને ભોળા લોકોને લોભ-લાલચ આપી ધર્મથી વિમુખ કરી રહી છે. આ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવા માટે જ આજે ૧૨ ગામોના આગેવાનોને એકઠા કરી આ સંમેલનનું આયોજન કરાયું છે. જે પરિવારો અજ્ઞાનતા કે દબાણવશ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે, તેમને ફરીથી સમજાવીને સનાતન ધર્મમાં પરત લાવવા માટે એક વિશેષ ઝુંબેશ' (અભિયાન) હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં એક પણ પરિવાર વિધર્મીઓના વિશ્વાસમાં ન આવે તે માટે સેવાડાના માનવી સુધી પહોંચી જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવાયો છે.ગરાસિયા સમાજના મંત્રી મગનભાઈ ગરાસિયાએ આગામી રણનીતિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ગબ્બર પાછળના અને દાંતા, અમીરગઢ, પોશીના તેમજ રાજસ્થાન સરહદે આવેલા વનવાસી વિસ્તારોમાં આ જાગૃતિ અભિયાનને તેજ બનાવવામાં આવશે. સમાજના યુવાનો અને આગેવાનોની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે ગામે-ગામ ધાર્મિક સ્થાનો પર મીટિંગો યોજી સમાજને સંગઠિત કરશે. કોઈપણ બહારની વ્યક્તિ આવીને અમારા સમાજને ભ્રમિત ન કરી જાય તે માટે દરેક પ્રસંગે અને દરેક ગામમાં ધર્મ રક્ષાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સનાતન ધર્મમાં અતૂટ આસ્થા જળવાઈ રહે તેવા અથાક પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ