
વડોદરા,14 માર્ચ (હિ.સ.) મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ગુજરાત સહિત દેશભરમાં ગેસ અછતની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક ઉદ્યોગ-ધંધા ઠપ થઈ રહ્યા છે અને હવે તો આ ગેસ અછતનો મુદ્દો ગૃહિણીઓના રસોડામાં પણ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતના નાના-મોટા મોટા ભાગના શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી રહી છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે.
ગેસ અછતને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે, એસઓજી ની ટીમે ન્યુ વીઆઇપી રોડ પર દરોડો પાડી 30 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે અને આ મામસે શડુલ ભરવાડની અટકાયત કરી છે.
એક તરફ લોકો ગેસ રાંધણ ગેસ માટે એજન્સીઓ બહાર ધોમ તડકામાં લાંબી લાઈનોમાં ઉભા રહી પરેશાન બની રહ્યા છે, ત્યારે આ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.
એસઓજીની ટીમે ન્યુ વીઆઇપી રોડ પર આવેલ એક મકાનમાં દરોડો પાડી ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે. અહીં ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસના અનેક બોટલ મળી આવ્યા હતા. પોલીસે તમામ સિલિન્ડરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ ઘટનાથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે.
વિગતે વાત કરીએ તો, વડોદરાવાસીઓ પણ 40 ડિગ્રી તાપમાનમાં લાઈનમાં ઉભા છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં ગેસની કાળાબજારી થતી હોવાની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે.
ગેસની અછત વચ્ચે કાળાબજારિયાઓ પણ બેફામ બન્યા છે.
આવી સ્થિતિને ધ્યાને લઈને એસઓજી અને ડીએસઓની ટીમે બાતમીને આધારે સંયુક્ત રીતે ન્યુ વીઆઇપી રોડના ભરવાડવાસ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ગેસની બોટલોના થપ્પે થપ્પા જોવા મળ્યા હતા. ગણતરી કરતા લગભગ 30 જેટલા ગેસ સિલિન્ડરો ત્યાંથી મળી આવ્યા હતા. જેને પોલીસે કબજે કર્યા છે. સાથે જ પોલીસે આ મામલે એક આરોપી શડુલ ભરવાડની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ ગેસની કાળાબજારી થતી હોવાનો મામલો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, વડોદરાની જેમ જ આખા ગુજરાતમાં આવી રીતે ગેસની કાળાબજારી થતી હોવાની વાતો સામે આવતા પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા બાદ આ તરફ સુરતમાં પણ ગેસ સિલિન્ડરની કાળાબજારી અંગે પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ છે. શહેરના અલગ અલગ ગેસ ગોડાઉનમાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમે ગોડાઉનમાં તપાસ કરી રહી છે, જેમાં જો કોઈ વ્યક્તિ ગેસની કાળાબજારી કરતો જણાય તો તેની વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ