
વાપી, 15 માર્ચ (હિ.સ.): ઔદ્યોગિક શહેર વાપીમાં જાહેર પરિવહનને મજબૂત બનાવવા માટે વાપી મહાનગરપાલિકાએ નવી સિટી બસ સેવા શરૂ કરી છે. શહેરના મહત્વપૂર્ણ 10 રૂટ પર કુલ 20 બસો દોડાવવામાં આવી રહી છે. આ સેવા શરૂ થતાં શહેરમાં રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે સરળ અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે.
બસમાં મુસાફરી માટે ટૂંકા અંતરનું ભાડું માત્ર રૂ. 5 રાખવામાં આવ્યું છે, જ્યારે લાંબા અંતર માટે મહત્તમ રૂ. 10 ચૂકવવું પડશે. ઓછા ભાડાના કારણે કામદાર વર્ગ, નોકરીયાત લોકો અને વિદ્યાર્થીઓને ખાસ રાહત મળશે.
વાપીમાં વધતા ટ્રાફિક અને ખાનગી વાહનોના વધતા ઉપયોગ વચ્ચે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. અત્યાર સુધી રિક્ષાના ઊંચા ભાડા અને યોગ્ય કનેક્ટિવિટી ન મળવાને કારણે ઘણા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, હવે આ સમસ્યામાં રાહત મળવાની આશા છે.
નવી બસ સેવા રેલવે સ્ટેશન, GIDC વિસ્તાર તેમજ શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોને જોડશે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, નાગરિકોને સસ્તી અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થા આપવાનો મુખ્ય હેતુ છે, જેથી શહેરમાં અવરજવર વધુ સરળ બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે