
વડોદરા, 15 માર્ચ (હિ.સ.): વડોદરા શહેરમાં બેફામ ઝડપે દોડતી કારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. છાણી ટીપી-13 વિસ્તારમાં 12 માર્ચની સાંજે લગભગ 7 વાગ્યે એક બાઈકસવાર યુવકને પાછળથી આવતી કારએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભારે હતી કે યુવક બાઈક સાથે હવામાં ઉછળી લગભગ 20 ફૂટ દૂર જઈને રસ્તા પર પટકાયો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તા પર સ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલક તેજ ગતિએ કાર દોડાવી રહ્યો હતો. અથડામણ થતાં યુવક રસ્તા પર પડીને ઈજાગ્રસ્ત હાલતમાં કણસતો રહ્યો, જ્યારે તેની બાઈક થોડું આગળ જઈને પડી હતી.
અકસ્માત પછી આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો અને યુવકને ભારે ઈજા પહોંચી હતી.
બીજી તરફ, કારચાલક અકસ્માત સર્જ્યા બાદ મદદ કરવા માટે ઉભો પણ રહ્યો નહીં અને તરત જ કાર વાળીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના CCTVના આધારે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે