
વલસાડ, 15 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લાના એક ગામમાં 17 વર્ષની સગીરાએ એસિડ પી આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. મૃત્યુ પહેલાં લખેલી સુસાઇડ નોટમાં સગીરાએ સ્થાનિક મોબાઈલ દુકાનના સંચાલક પર તેને ફસાવવાનો અને બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, સગીરા ઘટનાના દિવસે મોબાઈલ પર કોઈ સાથે વાત કરી રહી હતી. ત્યારે તેની માતાએ કોની સાથે વાત કરે છે તે અંગે પૂછતા તેને મન દુઃખ થયું હતું. ત્યારબાદ સગીરાએ એક સુસાઇડ નોટ લખી અને એસિડ પી લીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પરિવારજનોને ઘટનાની ખબર પડતાં જ સગીરાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં મોબાઈલ દુકાન સંચાલક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ હોવાથી પોલીસે આ દિશામાં તપાસ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે