
કોલકતા, નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાતના થોડા કલાકોમાં જ, ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ રાજ્યના ટોચના વહીવટી સ્તરે મોટા ફેરફાર કર્યા, જેમાં મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી અને ગૃહ સચિવ જગદીશ પ્રસાદ મીણાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા. પંચે સ્પષ્ટ કર્યું કે, બંને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ કાર્યમાં જોડાઈ શકશે નહીં.
ચૂંટણી પંચે નંદિની ચક્રવર્તીના સ્થાને 1993 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી દુષ્મંત નારિયલાને નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. 1997 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંઘમિત્રા ઘોષને રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંચે બંને અધિકારીઓને સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ચાર્જ સંભાળવાનો નિર્દેશ આપ્યો છે.
પંચે રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું, અને તે જાહેરાતના થોડા કલાકોમાં જ આ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે હેઠળ ચૂંટણી પંચને વહીવટી અધિકારીઓની બદલી અને નિમણૂક કરવાનો વિશિષ્ટ અધિકાર છે.
ચૂંટણી પંચે અગાઉ ચૂંટણી દરમિયાન રાજ્યના પોલીસ અને વહીવટી અધિકારીઓમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલાં પોલીસ અધિક્ષક અને કોલકતા પોલીસ કમિશનરને પણ બદલવાના કિસ્સાઓ છે. ગૃહ સચિવ સ્તરે પણ ફેરફારો થયા છે, જોકે તાજેતરના વર્ષોમાં મુખ્ય સચિવ સ્તરે આવા ફેરફારો દુર્લભ માનવામાં આવ્યા છે.
અગાઉ, 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન, પંચે પશ્ચિમ બંગાળના તત્કાલીન ગૃહ સચિવ અત્રી ભટ્ટાચાર્યને તેમના પદ પરથી દૂર કર્યા હતા. તે સમયે, પંચે આરોપ લગાવ્યો હતો કે તેમની કેટલીક ક્રિયાઓ ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર નહોતી. તે જ ચૂંટણી દરમિયાન, રાજીવ કુમાર, જે તે સમયે સીઆઈડી ના અધિક મહાનિર્દેશક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા, તેમને પણ તેમની ફરજો પરથી દૂર કરવામાં આવ્યા હતા.
નવા મુખ્ય સચિવ, દુષ્મંત નરિયાલા, જે અગાઉ ઉત્તર બંગાળ વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક સંરક્ષણની જવાબદારી પણ સંભાળી હતી. તેમણે સિંચાઈ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
નવા ગૃહ સચિવ સંઘમિત્રા ઘોષ, અગાઉ મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પદ પર, તેમણે રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક સુરક્ષા અને વિવિધ સામાજિક યોજનાઓ સંબંધિત વહીવટી કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે આ વખતે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23 એપ્રિલે અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ થશે.
તાજેતરની ચૂંટણીઓ કરતાં આ વખતે ઓછા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 2021ની વિધાનસભા ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી, જ્યારે અગાઉની ચૂંટણીઓમાં છ થી સાત તબક્કામાં મતદાન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ