રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સંકુલ ખાલી કરાવાયું
ગાંધીનગર,16 માર્ચ (હિ.સ.) રાજ્યના પાટનગર ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્રમાં ચકચાર. સુરક્ષા એજન્સીઓ સતર્ક, બિલ્ડિંગ ખાલી કરાવાયું. સાયબર ક્રાઈમ નિષ્ણાતોની ટીમ તપાસમાં જોડાઈ. રાજ્યમાં રોજ બરોજ કોર્ટ સંકુલ,સ્કૂલો અને સરક
ગાંધીનગર કર્મયોગી ભવન


ગાંધીનગર,16 માર્ચ (હિ.સ.) રાજ્યના પાટનગર ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્રમાં ચકચાર. સુરક્ષા એજન્સીઓ સતર્ક, બિલ્ડિંગ ખાલી કરાવાયું. સાયબર ક્રાઈમ નિષ્ણાતોની ટીમ તપાસમાં જોડાઈ.

રાજ્યમાં રોજ બરોજ કોર્ટ સંકુલ,સ્કૂલો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહે છે. જેમાં આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ ધરાવતા કર્મયોગી ભવનને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ સતર્ક બની ગઈ હતી.

ગાંધીનગરના કર્મયોગી સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર સંકુલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

સાવચેતીના પગલાંરૂપે કર્મયોગી ભવનને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં હાજર તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બિલ્ડિંગના દરેક માળ અને ખૂણે ખૂણે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સંકુલના તમામ પ્રવેશદ્વારો બંધ કરીને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ નિષ્ણાતોની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. જે ઈમેલ આઈડી પરથી ધમકી આપવામાં આવી છે તેને ટ્રેસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે માહિતી મેળવવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કર્મયોગી સંકુલમાં ગુજરાત પોલીસનું મહત્વનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ પણ આવેલું છે. આવી સંવેદનશીલ જગ્યા પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ચાલુ છે. આ ઘટના કોઈની મજાક છે કે કોઈ મોટી સાજિશનો ભાગ છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં કર્મયોગી સંકુલ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande