
અમદાવાદ,16 માર્ચ (હિ.સ.) અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આજે શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી પાસે ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો.
પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં જોડે અભ્યાસ કરતો સાથી સ્ટુડન્ટ રીક્ષામાં લઈ ગયો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહે છે અને ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. સ્કૂલમાં જ સાથે અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે. 15 માર્ચના રોજ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું હતું જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.
બંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, ત્યારે બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો.
એચ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.11માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કલાસરૂમમાં અન્ય કલાસમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. કલાસીસ પૂરા થયા બાદ જ્યારે બપોરે સગીર ભોમિયા ડેરી પાસે ઉભો હતો. જે સમયે બોલાચાલી બાબતે પેટમાં છરી મારી દીધી હતી. જેથી સારવાર અર્થે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધી સગીરને અટક કરવાની કાર્યવાહી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ