
કાબુલ, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.): સોમવારે રાત્રે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થયો. પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો. જોકે, પાકિસ્તાનનો દાવો છે કે, તેણે લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે. તાજેતરના હુમલા બાદ, અફઘાન તાલિબાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વાતચીત અને કુટનીતિનો સમય પૂરો થઈ ગયો છે અને હવે અફઘાનિસ્તાન બદલો લેશે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક નશા મુક્તિ કેન્દ્રને નિશાન બનાવ્યું હતું. હુમલામાં હોસ્પિટલને નોંધપાત્ર નુકસાન થયું હતું, જેમાં મોટાભાગની ઇમારત આગથી નાશ પામી હતી. એવો અહેવાલ છે કે, હુમલા સમયે કેન્દ્રમાં 2,000 થી વધુ લોકો હાજર હતા, અને ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા, જેમાં ઘણા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે.
પાકિસ્તાને કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર સહિત અનેક અન્ય સ્થળોએ પણ હુમલો કર્યો
અફઘાન મીડિયા ગ્રુપ ટોલો ન્યૂઝ અનુસાર, ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન (આઈઈએ) ના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કાબુલમાં ડ્રગ ડિ-એડિક્શન હોસ્પિટલને નિશાન બનાવતા હવાઈ હુમલાની સખત નિંદા કરી છે, તેને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ હુમલાઓ પછી, ઇસ્લામાબાદ સાથે રાજદ્વારી અને વાતચીતનો સમય સમાપ્ત થઈ ગયો છે. વાતચીત કરવાને બદલે, અમે બદલો લેવાનો ઇરાદો રાખીએ છીએ.
એરેના ન્યૂઝ અનુસાર, મુજાહિદે એક નિવેદનમાં કહ્યું કે, જે હોસ્પિટલમાં નશા મુક્તિ માટે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી, ત્યાં હુમલો કરવામાં આવ્યો, જેના પરિણામે તબીબી સંભાળ મેળવતા ઘણા લોકો મૃત્યુ પામ્યા. મુજાહિદે કહ્યું, પાકિસ્તાનના લશ્કરી શાસને ફરી એકવાર આપણા દેશના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે અને કાબુલમાં ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલને નિશાન બનાવી છે, જેમાં સારવાર લઈ રહેલા ઘણા દર્દીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. અમે આ ગુનાની સખત નિંદા કરીએ છીએ અને તેને તમામ માનવતાવાદી અને નૈતિક ધોરણોની વિરુદ્ધ માનીએ છીએ.
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરો, રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ કાબુલમાં થયેલા હુમલામાં થયેલા મૃત્યુ પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા રાશિદ ખાને લખ્યું, કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ઘરો, શૈક્ષણિક સંસ્થાઓ અથવા તબીબી સુવિધાઓને નિશાન બનાવવી, પછી ભલે તે જાણી જોઈને હોય કે આકસ્મિક રીતે, યુદ્ધ અપરાધ છે. માનવ જીવન પ્રત્યે આટલો અનાદર, ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન, ખૂબ જ ચિંતાજનક છે અને સમાજમાં નફરત અને વિભાજન વધારશે.
મોહમ્મદ નબીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ગઈકાલે રાત્રે કાબુલમાં એક હોસ્પિટલ પર થયેલા બોમ્બ હુમલાથી આશા ઓલવાઈ ગઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં આવેલા યુવાનો આ હુમલામાં માર્યા ગયા હતા. નબીએ લખ્યું છે કે, માતાઓ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહી હતી, તેમના પુત્રોના નામ બૂમ પાડી રહી હતી, અને રમઝાનની 28મી રાત્રે તેમના જીવન ટૂંકાવી દેવામાં આવ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી હતી.
21 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. તેના જવાબમાં બંને દેશોએ હુમલા શરૂ કર્યા, જેના પરિણામે બંને પક્ષે જાનહાનિ થઈ.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ