




23 મી માર્ચથી ગાંધીનગરમાં છાવણી નખાશે
અંકલેશ્વર ઉદ્યોગપતિ રમેશ ગાબાણી દ્વારા અનિશ્ચિત મુદ્દતના ઉપવાસની જાહેરાત
પર્યાવરણના સુધારા માટેના અને ઉદ્યોગપતિઓની સમસ્યાને વાચા આપતા આ પ્રોજેક્ટમાં રોડા નખાય છે
ભરૂચ 17 માર્ચ (હિ.સ.) ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક CETP (કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહેલા શંકાસ્પદ વિલંબ સામે હવે ઉદ્યોગકારોએ ગાંધીનગરના દ્વારે આંદોલન છેડવાની જાહેરાત કરી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના અગ્રણી રમેશ ગાબાણી અને તેમના સહયોગીઓ આગામી 23મી માર્ચ, 2026થી ગાંધીનગર સેક્ટર-10એ સ્થિત 'પર્યાવરણ ભવન'ના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર ઉતરશે.
સમગ્ર વિવાદ શું છે જોઈએ એ તો
અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આધુનિક તકનીકોથી સજ્જ CETP પ્રોજેક્ટના સંચાલન (CCA - Consolidated Consent and Authorization) માટે GPCB ને અરજી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે અત્યંત આવશ્યક છે. તમામ ટેકનિકલ માપદંડો અને સરકારી ધારાધોરણો પૂર્ણ હોવા છતાં, બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈને કોઈ બહાને મંજૂરીની પ્રક્રિયા લંબાવવામાં આવી રહી છે.
એક વર્ષનો વનવાસ: છેલ્લા 12 મહિનાથી ઉદ્યોગકારો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે.
પર્યાવરણને નુકસાન: પ્રોજેક્ટ કાર્યરત ન થવાને કારણે પર્યાવરણીય અનુપાલન (Compliance) પર ગંભીર અસરો પડી રહી છે.
આર્થિક બોજ: કરોડોનું રોકાણ કરીને ઉભો કરાયેલ પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી એસોસિએશન પર આર્થિક ભારણ વધી રહ્યું છે.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન: વારંવારની રજૂઆતો છતાં તંત્ર ન જાગતા હવે 23 માર્ચથી સવારે 10 વાગ્યાથી ગાંધીનગર ખાતે 'કરો અથવા મરો' ના નારા સાથે અહિંસક ઉપવાસ શરૂ કરવામાં આવશે.
નાણાકીય સંચાલન (Financial Structure)
બેંક લોન: ₹70 કરોડની મોટી રકમની લોન સાથે પ્રોજેક્ટની શરૂઆત.
મેમ્બર ડિપોઝીટ: ઇન્ડસ્ટ્રીઝના સભ્યો પાસેથી ₹40 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું, જે પ્રોજેક્ટમાં લોકોના વિશ્વાસનું પ્રતીક છે.
ડિરેક્ટર્સનું યોગદાન: વ્યાજ વગરની લોન લેવી એ કંપની માટે આર્થિક બોજ ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે.
ચુકવણીની સ્થિતિ (Repayment Status)
હપ્તાની વિગત: ₹1.14 લાખનો માસિક હપ્તો.
પ્રગતિ: કુલ 10 હપ્તા સફળતાપૂર્વક ભરી દેવામાં આવ્યા છે, જે પ્રોજેક્ટની સારી લિક્વિડિટી (રોકડ પ્રવાહ) સૂચવે છે.
મુખ્ય વ્યૂહાત્મક નિર્ણય
સબસિડીની રાહ જોયા વગર પ્લાન્ટ બનાવ્યો - આ નિર્ણય સૌથી મહત્વનો છે. ઘણીવાર સબસિડીની પ્રક્રિયામાં સમય જતો હોય છે, જેના કારણે પ્રોજેક્ટનો ખર્ચ (Project Cost) વધી જતો હોય છે. સમયસર પ્લાન્ટ શરૂ થવાથી ઉત્પાદન અને આવક વહેલી શરૂ કરી શકાય છે.
અમે સરકારના નિયમોનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ GPCB નું વલણ ઉદ્યોગ વિરોધી હોય તેવું જણાય છે. જો 23 તારીખ સુધીમાં અમારી વાજબી માંગણીઓ પર સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો અમે ગાંધીનગર ખાતે છાવણી નાખીને અનિશ્ચિત ઉપવાસ પર ઉતરીશું.
— રમેશ ડી ગાબાણી (અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન)
એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે આ ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે, પરંતુ જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સ્થળ છોડશે નહીં. આ આંદોલનને કારણે આગામી દિવસોમાં રાજ્યના પર્યાવરણ વિભાગ અને ઉદ્યોગ જગતમાં મોટા પડઘા પડવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ