

પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદરના બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર તથા બિલ્ડીંગ મટીરીયલ એસો. દ્વારા આજ રોજ તા. 17 માર્ચના રોજ શહેરના મુખ્ય રસ્તાઓ પર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાઈક રેલી નરસંગ ટેકરીથી શરુ થઇ બાલુબાના ફુવારાથી મનપા કચેરી સુધી યોજવામાં આવી હતી.મનપા કચેરીએ એસો.ના હોદ્દેદારોએ મનપા કમિશ્નરને આવેદન પાઠવી શહેર માટે નવો ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવા રજુઆત કરી છે હાલ ડેવલોપમેન્ટ પ્લેનના અભાવે નવા બાંધકામની તમામ પરમિશનો અત્યારે બંધ જેવી સ્થિતિમાં છે જેથી બિલ્ડરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઉપરાંત બ્રોકર, એન્જી. અને બિલ્ડીંગ મટિરિયલના વેપારીઓને પણ અસર થઇ રહી છે.
એસો. દ્વારા આવેદનમાં જણાવાયું છે કે, પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયાને આશરે 15 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી શહેર માટે નવો ડેવલપમેન્ટ પ્લાન (DP Plan) તૈયાર કરવામાં આવ્યો નથી. આ વિલંબના કારણે શહેરમાં નવા બાંધકામની તમામ પરમિશનો અત્યારે બંધ જેવી સ્થિતિમાં છે. આ ગંભીર પરિસ્થિતિમાં વધુ મુશ્કેલી એ છે કે, હવે બાંધકામ માટે જેલ ઓથોરીટી, એરપોર્ટ ઓથોરીટી, CRZ, રેલ્વે ઓથોરીટી અને હાઈવે ઓથોરીટી જેવી વિવિધ કચેરીઓની પરવાનગી લેવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આ દરેક વિભાગમાંથી એક-એક પરવાનગી મેળવવામાં અંદાજે એક-એક અઠવાડિયા જેટલો સમય લાગે છે, જેના કારણે પ્રોજેક્ટ્સ બિનજરૂરી રીતે વિલંબિત થઈ રહ્યા છે. આ સંયુક્ત કારણોસર પોરબંદર શહેરનો સંપૂર્ણ બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. બિલ્ડરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને હજારો મજૂરો સહિત સિમેન્ટ, લોખંડ, પ્લમ્બિંગ, ઈલેક્ટ્રિકલ અને ટ્રાન્સપોર્ટ જેવા અનેક આનુષંગિક વ્યવસાયો પર આર્થિક સંકટ ઊભું થયું છે. શહેરના વિકાસ અને હજારો પરિવારોના રોજગાર સાથે સંકળાયેલો આ પ્રશ્ન અત્યંત ગંભીર હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ નીતિ જાહેર કરવામાં આવી નથી. જેથી એસો દ્વારા રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સુધી આ બાબતે તાત્કાલિક રજૂઆત કરી બાંધકામ પરમિશન ફરી શરૂ કરવા માર્ગદર્શન મેળવવામાં આવે તથા નવો DP Plan તૈયાર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અંતરિમ વ્યવસ્થા (Interim Permission Policy) અમલમાં મૂકવામાં આવે. તેમજ વિવિધ ઓથોરીટીઓ (જેલ, એરપોર્ટ, CRZ વગેરે) ની પરવાનગી પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે સિંગલ વિન્ડો જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
તેવી માંગણીઓ કરવામાં આવી છે સાથે જો આ પ્રશ્નનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ નહીં આવે, તો પોરબંદર શહેરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya