

પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર ઘેડના મેળાને સુચારૂ રીતે યોજાઈ તે માટે જિલ્લા કલેક્ટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ સ્પષ્ટ સૂચના આપી હતી કે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કોઈપણ અગવડ વિના મેળાનો આનંદ માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા અને મેળો લોકભોગ્ય બને તે દિશામાં કાર્ય કરવા સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.સુરક્ષા અને વ્યવસ્થાપનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજાએ વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. જેમાં ખાસ કરીને ટ્રાફિક ન થાય તે ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા, વાહનોના ડાયવર્ઝન, વિશાળ પાર્કિંગ સુવિધા અને હેલિપેડની સજ્જતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મેળાના મેદાનમાં ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેટિંગ અને હોલ્ડિંગ એરિયાના આયોજન સાથે સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં અંગે સૂચન કર્યું હતું.આ ઉપરાંત, પાયાની સુવિધાઓ જેવી કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને લાઈટિંગ, નાણાં વ્યવસ્થાપન, ઈમરજન્સી આરોગ્ય સેવાઓ માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મેળા દરમિયાન સ્વચ્છતા જળવાય અને આરોગ્યની ટીમ ખડેપગે રહે તે માટેનું માળખું પણ આ બેઠકમાં તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી,
મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ,નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતનાં અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya