
થરાદ/અમદાવાદ,18 માર્ચ (હિ.સ.) રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા.
ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કેટલાય વીડિયો વાયરલ થયા છે.
ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા. તેમજ કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. આ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ટીયર ગેસ છોડ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં 4 પોલીસકર્મી સહિત ટોળામાંથી પણ 4થી 5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસની ટીમો હાલ અહિં હાજર છે. હુમલો કરનાર ટોળા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે 35થી 40 લોકોને ડિટેઈન કર્યા છે.
PI કે બી દેસાઈએ જણાવ્યું કે, પ્રેમ લગ્ન મામલે ભાભરમાં મીટિંગ કરાઈ હતી. ત્યાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા. જે બાદ ત્યાંથી 60થી 70 ટકા લોકો વિખેરાઈ ગયા હતા. જે બાદ 30 ટકા લોકો કે જેઓ કોઈ આગેવાન નથી, એ લોકો સીધા ગાડી લઈને ઉણ ગામ આવી પહોંચ્યા હતા. અહિં ગામમાં છોકરો કે છોકરી કોઈ રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ