


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરના વનાણા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના વોટર ટેન્ક બનાવવાની એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સર્જાતા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો. ફેક્ટરીની અંદર આવેલી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમ જરૂરી સાધનસામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પાણીનો મારો કરીને આગને ફેલાતી અટકાવવામાં આવી હતી. આગ વધુ ફેલાય તે પહેલા જ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે ફેક્ટરીના અન્ય વિભાગો અને આસપાસના વિસ્તારને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની તાત્કાલિક અને ઝડપી કામગીરીના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya