
વલસાડ, 18 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તા પાસે પોલીસે ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોડીરાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે મારુતિ સુઝુકી સુપર કેરી ટેમ્પોની તલાશી લેતા તેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી. કુલ 1152 બોટલ સાથેનો આ જથ્થો અંદાજે રૂ. 3.62 લાખનો હોવાનું જણાવાયું છે. ઘટનાસ્થળે જ પોલીસે વાહન કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે ટેમ્પો ચલાવતા અમજદ જોબન ખાન અને તેના સાથી તરીકે રહેલા ક્લીનર કિશકુમાર દમણીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ‘અક્ષય’ નામના વ્યક્તિએ મોકલાવ્યો હોવાની માહિતી સામે આવી છે, જેને પોલીસે ફરાર જાહેર કર્યો છે.
પોલીસે આ કેસમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. દારૂ ઉપરાંત ટેમ્પો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે