
નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.). સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા 2,929 કરોડ રૂપિયાના લોન છેતરપિંડી કેસના સંદર્ભમાં પૂછપરછ કરી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અંબાણી આજે સવારે સીબીઆઈ મુખ્યાલય પહોંચ્યા હતા, જ્યાં એજન્સીના અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ શુક્રવારે પણ ચાલુ રહેશે. સીબીઆઈ હવે કેસમાં એકત્રિત કરાયેલા દસ્તાવેજોની અંબાણીના નિવેદનો સાથે તુલના કરશે.
આજે સવારે, અનિલ અંબાણીના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અંબાણી ૧૯ અને ૨૦ માર્ચે સીબીઆઈ સમક્ષ હાજર થશે. આ હાજરી એસબીઆઈની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર ના સંદર્ભમાં છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અંબાણી તમામ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે અને તેમનો કેસ મજબૂત રીતે રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં, સીબીઆઈ એ એસબીઆઈની ફરિયાદના આધારે અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (આરકોમ) સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદ મુજબ, કંપનીએ વિવિધ બેંકોને કુલ ₹40,000 કરોડથી વધુનું દેવું હતું, જેમાંથી એકલા એસબીઆઈ ને ₹2,929.05 કરોડનું નુકસાન થયું હતું. સીબીઆઈ એ, આ કેસમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસ ભંગની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
અનિલ અંબાણીના પક્ષે અગાઉ જણાવ્યું હતું કે, ફરિયાદ 10 વર્ષથી વધુ જૂના કેસોને લગતી હતી. તે સમયે, અંબાણી કંપનીના ફક્ત બિન-કાર્યકારી ડિરેક્ટર હતા અને તેના રોજિંદા સંચાલન અથવા કામગીરીમાં સામેલ નહોતા. વધુમાં, અંબાણીએ એસબીઆઈ દ્વારા તેમને છેતરપિંડી જાહેર કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ