
પાટણ, 23 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામમાં કૌટુંબિક જમીન વિવાદ હિંસક બન્યો છે. ‘જડીવાળું’ ખેતરે કામ કરતી વખતે જેઠે પોતાની ભોજાઈ પર કવાડા વડે હુમલો કર્યો હતો, જેમાં મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને શંખેશ્વર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ફરિયાદ મુજબ, 52 વર્ષીય ભગીબેન ભગવાનભાઈ નાડોદા દેસાઈ પોતાના પુત્ર પ્રકાશ સાથે ખેતરે હતા ત્યારે તેમના જેઠ દજા લખમણ દેસાઈ ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રકાશ સામે લેન્ડ ગ્રેબિંગની અરજી અંગે અપશબ્દો બોલતા ઝઘડો ઉગ્ર બન્યો હતો.
વિવાદ વધતા દજાએ પોતાના ખેતરમાંથી કવાડું લઈ આવી પ્રકાશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી ભગીબેન પર જ કવાડાનો ફટકો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા, જ્યારે આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
ગામના દીપક હીરા દેસાઈએ ભગીબેનને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા. શંખેશ્વર પોલીસે ભગીબેનની ફરિયાદ આધારે આરોપી દજા લખમણ નાડોદા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ